ભારતમાં ટ્વિટરની પબ્લિક પોલિસીના ડિરેક્ટર મહિમા કૌલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીની અધિકારીઓઓનું કહેવું છે કે મહિમા કૌલે અંગત જીવન પર ધ્યાન કેન્દ્રીત કરવા રાજીનામું આપ્યું છે.  બીજી તરફ ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ગત અઠવાડિય ખેડૂત આંદોલન મુદ્દે થયેલા ઘર્ષણ બાદ આ રાજીનામાના કારણે ચર્ચાને વેગ મળ્યો છે.

ટ્વિટર તરફથી કરાયેલી જાહેરાત મુજબ ભારતમાં પબ્લિક પોલિસીની ડિરેક્ટર મહિમા કૌલે અંગત જીવન પર ધ્યાન કેન્દ્રીત કરવા રાજીનામું આપ્યું છે. તેઓ માર્ચના અંત સુધી કામગીરી કરશે અને નવા ડિરેક્ટરને કામગીરીની હસ્તાંતરણની પ્રક્રિયામાં સહકાર આપશે. નોંધનીય છે કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે કેટલાંક વાંધાજનક હેશટેગ કરનારા ટ્વિટર હેન્ડલને ટ્વિટરે બ્લોક કર્યાના થોડાં સમય બાદ અનબ્લોક કરી દીધા હતા.

આ પગલાંની આકરી ટીકા કરતો પત્ર કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટરને મોકલવામાંઆવ્યો હતો. આ ઘટનાનાં થોડાં દિવસો બાદ મહિમા કૌલના રાજીનામાના કારણે ચર્ચાએ જોર પકડયું છે.અમેરિકા અને જાપાન બાદ ટ્વિટર માટે ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે, જ્યાં કરોડો લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે.