દબંગ તરીકેની ઓળખાતા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમેશા વિવાદમાં આવે છે. જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી તેમના માટે સામાન્ય થઇ ચુક્યું છે. અગાઉ પણ તેમના આવા વ્યવહારને કારણે તેઓ મીડિયામાં ચમકી ચુક્યા છે.

આજે ફરી તેમને ગંદા વાકબાણ છોડયા છે. અને સંનિષ્ઠતાથી પોતાની ફરજ અદા કરી રહેલા પત્રકારોને ધમકી આપી છે. વડોદરા ખાતેના મંતવ્ય ન્યુઝના પત્રકાર અમિત ઠાકોરને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોઇને કહીને ઠોકાવી દઇશ એવી સ્પષ્ટ ભાષામાં ધમકી આપી છે.

નોંધનીય છે કે આજ રોજ વડોદરા ખાતે મનપાના ઉમેદવારોના ફોર્મ ચકાસણીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં વડોદરા ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વોર્ડ 15 નાં અપક્ષ ઉમેદવાર દીપક શ્રીવાસ્તવના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ચૂંટણીમાં 3 સંતાનોનાં માપદંડને લઇને વિવાદ થયો છે. ઉમેદવાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થઇ શકે છે. આ અંગે વાતચીત કરતા પત્રકારો સામે તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા. અને આવા કડવા સવાલો નાં પૂછો નહિ તો કોઈને કહીને ઠોકાવી દઈશ તેવી સ્પષ્ટ ભાષામાં પત્રકારને જાહેરમાં કેમેરા સામે ધમકી આપી છે. હવે જોવું એ રહ્યું કે પક્ષના (BJP) જવાબદાર નેતાઓ મધુ શ્રીવાસ્તવ પર કોઈ પગલા લેશે કે નહિ.