Current affairs: ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આ નવા કાયદાને કારણે કંપનીઓને મોટી રાહત મળી છે. હવે કંપનીઓ નિર્ધારિત સમયગાળાના કરારની નોકરી માટે સીધા કર્મચારીઓને રાખી શકે છે. અત્યાર સુધી કંપનીઓને આ માટે કોન્ટ્રાક્ટરોનો આશરો લેવો પડયો હતો. હવે સીધી ભરતીથી કંપનીઓના ખર્ચમાં ઘટાડો થશે.

નિયમ મુજબ નિર્ધારિત સમયગાળા માટે થયેલ કરારમાં કામદારોને કાયમી કર્મચારીઓ જેવી તમામ સુવિધાઓ પણ મળશે. જો આવા કામદારોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે તો જે કાયમી કર્મચારીઓને આપવામાં આવે છે તે વળતર એમને મળશે નહીં, તેનાથી કંપનીઓને મોટો ફાયદો થશે. જોકે આ કાયદો માર્ચ ૨૦૧૮થી લાગુ કરાયેલ કાયદાથી જુદો છે તે વખતે સ્પષ્ટતા કરાઈ હતી કે કાયમી નોકરીઓને કરારમાં રૂપાંતરિત નહીં કરી શકાય. જોકે હવે ઔદ્યોગિક સંબંધ સંહિતા ૨૦૨૦માં આવો કોઈ નિયમ નથી.

આવી સ્થિતિમાં નિષ્ણાંતો કહે છે કે, ભવિષ્યમાં બજારમાં કાયમી નોકરીઓની અછત થઇ શકે છે. આનું કારણ એ પણ છે કે, સરકારે કરારની કોઈ મર્યાદા રાખી નથી. આ ઉપરાંત એ પણ નક્કી નથી કે, કેટલીક વખત કરાર રિન્યુ કરી શકાય છે. જાણકારોનું માનવું છે કે, આ વિષય ચિંતાનો છે. નિર્ધારિત સમયની નોકરીનું સ્વાગત છે પણ એના નિયમો હોવા જોઈએ. આ પ્રકારની શરૂઆત ૨૦૦૦ના વર્ષથી યુરોપમાં થઇ હતી પણ આને કાયમી નોકરી તરફનું એક પગલું ગણવામાં આવે છે. હવે કરાર આધારિત નોકરી કરવાવાળાને કાયમી નોકરી મળી નહીં શકે.