સામાજિક કાર્યો અને ચેરિટી માટે જાણીતા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ સોશિયલ મીડિયા પર તેમને દેશના ઉચ્ચતમ નાગરિક સન્માન ભારત રત્ન આપવાના અભિયાનને બંધ કરવાની વિનંતી લોકોને કરી છે.

શનિવારે ટ્વીટર પર રતન ટાટાએ લોકોને આ અભિયાન બંધ કરવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે સોશિયલ મીડિયા પર મને એવોર્ડ મળે એવી લોકોની ઈચ્છાની હું કદર કરું છું પણ સાથે જ તેમને આ અભિયાન બંધ કરવાની અપીલ પણ કરું છું.

તેમણે વધુમાં લખ્યું કે એક ભારતીય હોવાનો મને ગર્વ છે અને ભારતના વિકાસ તેમજ સમૃદ્ધિમાં ફાળો આપવાની મને તક મળે છે તેના માટે હું પોતાને ખૂશનસીબ માનું છું. નોંધનીય છે કે પ્રખ્યાત વક્તા ડો. વિવેક ભિન્દ્રા સહિત અનેક નેટ વપરાશકારોએ ટ્વીટર તેમજ અન્ય મંચ પર તેમને આ ઉચ્ચતમ એવોર્ડની માગણી કરી હતી.