ઉત્તરાખંડના ચમોલિ જિલ્લાની ઋષિગંગા ખીણમાં રવિવારે નંદા દેવી હિમખંડનો એક ભાગ તૂટી પડતાં હિમપ્રપાત આવ્યું હતું અને ધૌળી ગંગા અને અલકનંદા નદીમાં આવેલા પૂર પર સવાર થઈ આવેલા મોતે લગભગ એક કલાક સુધી રૈણી અને તપોવન વચ્ચે ભારે વિનાશ સર્જ્યો હતો. તપોવનની ટનલમાં ફસાયેલા 30 લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આઈટીબીપીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. આઈટીબીપીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક અઠવાડીયા જેટલો સમય લાગી શકે છે. ટનલમાં ઘણા ફુટ સુધી કાટમાળ ભરેલો છે. તો તપોવનમાં બીજી ટનલમાંથી 16 લોકોને બચાવવામાં આવ્યા છે. તો લખીમપુરી ખીરીના 60 મજુરો પણ લાપતા થયા છે.

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં મોટા પ્રમાણમાં જાન અને માલ હાનિ થઇ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ગ્લેશિયર ફાટતાં 150 થી વધુ લોકો તણાયા હોવાની આશંકા છે. જેની શોધ ચાલું છે. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અને એસડીઆરએફ સહિત સેનાની મદદ લેવાઇ રહી છે. ગ્લેશિયર તૂટવાથી ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. તો બીજી તરફ અનેક મકાન તણાયાની પણ આશંકા સેવાઇ રહી છે. ગ્લેશિયર તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે.

ઉત્તરાખંડમાં બનેલી આ ઘટનાથી ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત પણ દુઃખી થયો છે. તે લોકોની મદદ માટ આગળ આવ્યો છે અને ચેન્નઈ ટેસ્ટની મેચ ફી બચાવ કાર્યમાં દાનમાં આપશે. પંતે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા લખ્યું, ગ્લેશિયર તૂટવાની ઘટનાથી મને દુઃખ થયું છે. મેં મારી મેચ ફીને રાહત કાર્યમાં દાનમાં આપવાનો ફેંસલો કર્યો છે. આ મુશ્કેલ સમયમા તમામ લોકોએ મદદ માટે આગળ આવવું જોઈએ. મારી તમામ લોકોને બચાવ કાર્ય માટે વધુમાં વધુ દાન આપવાની અપીલ છે.

રિષભ પંત ઉત્તરાખંડનો રહેવાસી છે. તેનો જન્મ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં થયો છે. ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટમાં ભારતને શાનદાર જીત અપાવનારા પંતે ભારતમાં ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પ્રથમ મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 73 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી તે બાદ પંતે આક્રમક 91 રનની ઈનિંગ રમી હતી. ભારતમાં પંતની આ ત્રીજી ઈનિંગ હતી અને ત્રણેયમાં 90થી વધારે રન બનાવવામાં સફળ રહ્યો છે.