ટીમ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. છેલ્લી ત્રણ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોહિતે અફઘાનિસ્તાન સામે રમાયેલી સુપર-8ની પ્રથમ મેચમાં ટીમની પ્લેઇંગ ઇલેવનમાં છેલ્લો ફેરફાર કર્યો હતો, જેમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવ આવ્યો હતો.
હવે ટાઈટલ મેચમાં શિવમ દુબેના રૂપમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો ફેરફાર ઓપનિંગ જોડીમાં પણ ફેરબદલ કરી શકે છે. વાસ્તવમાં, ફાઈનલ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા શિવમ દુબેને ભારતની પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે. દુબે વર્લ્ડ કપની પ્રથમ મેયથી જ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. ઓલરાઉન્ડર દુબે અત્યાર સુધી માત્ર બેટ્સમેન તરીકે જ રમ્યો છે. તેણે અમેરિકા સામેની મેચમાં માત્ર 1 ઓવર જ ફેંકી હતી. જ્યારે દુબે બેટિંગમાં ખાસ કોઈ છાપ છોડી શક્યો નથી. તેણે ચોક્કસપણે સ્પિનરો સામે કેટલાક મોટા શોટ ફટકાર્યા છે, પરંતુ તે ઝડપી બોલરો સામે પણ તદ્દન લાચાર દેખાઈ રહ્યો છે.
ત્યારે આજે શિવન દુબેની જગ્યાએ જાયસ્વાલને મળી શકે છે મોકો
દુબેના ખરાબ ફોર્મને જોતા યશસ્વી જાયસ્વાલને ફાઇનલમાં તક મળી શકે છે. જાયસ્વાલે આ ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. જો જાયસ્વાલ પ્લેઇંગ ઇલેવનમાં પ્રવેશ કરે છે તો તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. જ્યારે અત્યાર સુધી ઓપનિંગ કરી રહેલો વિરાટ કોહલી પોતાના જૂના નંબર ત્રણ પર આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા ફાઈનલ માટે પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.
ટી20 વર્લ્ડકપ 2024 ફાઇનલમાં ભારતની પ્લેઇંગ ઇલેવન આવી હોઈ શકે… રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ