નવા કૃષિ કાયદાઓને લઈ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપશે. એવામાં સમગ્ર દેશની નજર તેની પર હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ કાયદાઓ પર શું બોલે છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂરી થઈ ચૂકી છે. એવી આશા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ કાયદાની વિરુદ્ધ થઈ રહેલા ખેડૂત આંદોલન પર પોતાની વાત ગૃહ સમક્ષ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલનને વિપક્ષી પાર્ટીઓનો ટેકો મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ભારત સરકાર નવા કૃષિ કાયદાઓને પરત લે, તેઓ સંશોધન માટે તૈયાર નથી.

પીટીઆઇ-ભાષાના રિપોર્ટ મુજબ, સંસદના બજેટ સત્રના પહેલા ચરણ દરમિયાન રાજ્યસભાના શરૂઆતના 6 દિવસોમાં ખૂબ કામકાજ થયું અને કાર્યવાહીનો 82.10 ટકા સમય ચર્ચાઓ અને કામકાજમાં ઉપયોગ કરવામાં આવ્યો. ઓફિશિયલ નિવેદન મુજબ, કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ઉચ્ચ ગૃહમાં 15 કલાક ચર્ચા થઈ. વડાપ્રધાન મોદી આ ચર્ચા પર સોમવારે પ્રશ્નકાળમાં જવાબ આપશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લી ત્રણ બેઠકમાં ગૃહમાં પ્રસ્તાવ પર ચર્ચા મુખ્ય કાર્ય રહ્યું જેમાં 25 પાર્ટીઓના 50 સભ્યોએ ભાગ લીધો. તેમાં કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી માટે કુલ 20 કલાક 30 મિનિટ નો સમય નક્કી થયો હતો જેમાંથી 4 કલાક 14 મિનિટનો સમય 3 ફેબ્રુઆરીએ હોબાળાના કારણે બરબાદ થયો. જોકે, શુક્રવારે ગૃહના સભ્ય નિયત સમય થી 33 મિનિટ વધુ સમય સુધી કાર્યવાહીમાં સામેલ થયા.