રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરીને વર્ષ 2013-14માં શરૂઆત કરાઇ હતી. લગભગ 800 કરોડના ખર્ચ વચ્ચે 63 કિમીની રેલવે લાઈન નંખાઈ હતી. રેલવે આવી પણ ખરી પરંતુ અંકલેશ્વરથી રાજપીપલા વચ્ચે આવતી 16 ફાટકો બંધ કરવામાં રેલવે વિભાગ પાછું પડ્યું અને નેરોગેજ કરતા પણ બ્રોડ ગેજની આ ફાસ્ટ ટ્રેન ફાટકોને કારણે 63 કિમિનું અંતર કપાતા 3 કલાક જેટલો સમય લાગતો હતો.

રાજપીપલા અને અંકલેશ્વર ટ્રેન પણ નવેમ્બર 2020માં બંધ કરી દેવાઇ છે. આજે ડભોઇ કેવડિયાને પેસેન્જરની જરૂર છે અને જો તે રાજપીપલા જોડાય તો ટ્રાફિક બંને તરફથી મળી રહે. જેથી રાજપીપલા કેવડિયા ટ્રેન જોડાવી જરૂરી છે.

આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હાલ બજેટ સત્ર ચાલે છે મેં ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવાનો પ્રશ્ન ગત મંગળવારે પૂછ્યો હતો. બીજો પ્રશ્ન રાજપીપલા કેવડિયા લાઈન જોડાવાની માંગણી કરી છે. હું 17 મીએ આ મુદ્દો ઉઠાવવાનો છું. તેઓએ વધુમાં કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં હું કેવડિયા રાજપીપલાથી અંકેલશ્વર ટ્રેન દોડાવીને જંપીશ. જો અમદાવાદ વડોદરા થઇ કેવડિયા પહોંચેલી ટ્રેન રાજપીપલા થઇ સીધી મુંબઈ નીકળી જાય સમય પણ બચે પેસેન્જરો વધે.