નાગપુર: ૩૦ નવેમ્બર દેશના પ્રખ્યાત સમાજસેવક બાબા આમટે ની પૌત્રી અને લેપ્રોસી સર્વિસીસ કમિટિનાં CEO ડૉ. શીતલ આમટે-કરજગીએ સોમવારે આત્મહત્યા કરી લીધાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના આનંદવનમાં બનેલી ઘટના બાદ ડૉ. શીતલને વરોરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે આત્મહત્યા પાછળ કૌટુંબિક ઝઘડો થવાની સંભાવના સેવાઈ રહી છે.

બાબા તરીકે ઓળખાતા પ્રખ્યાત સ્વ. ડૉ. મુરલીધર આમટેએ ૭૦ વર્ષ પહેલાં રક્તપિત્તના દર્દીઓ માટે આનંદવન નામથી ચંદ્રપુર જિલ્લામાં આશ્રમની સ્થાપના કરી હતી. આ પછી આમટે પરિવાર સંપૂર્ણ રીતે સમાજ સેવામાં જોડાયો. આમટે પરિવાર આદિવાસી વિસ્તારોમાં અનેક સર્વિસ પ્રોજેક્ટ્સ ચલાવે છે. ૯ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ બાબા આમટેના અવસાન પછી તેમના પુત્રો ડૉ. વિકાસ અને ડૉ. પ્રકાશ આમટે તેનો વારસો સંભાળી રહ્યા છે.

હાલમાં રક્તપિત્તના દર્દીની સેવાઓ સમિતિના સચિવ અને ડૉ. પ્રકાશ આમટે સહસચિવ તરીકે સેવા આપી રહ્યા છે. CEO તરીકે ફરજ બજાવતા વિકાસ આમટેની પુત્રી ડૉ. શીતલે નવેમ્બરના બીજા અઠવાડિયામાં સોશિયલ મીડિયા પર આમટે પરિવારની ટીકા કરતો વિડીયો મુક્યો હતો. અને પછી ૨ કલાકની અંદર ડો. શીતલે તેને ડિલીટ પણ કરી દીધો હતો. તેમની પુત્રીના આ તીક્ષ્‍ણ હુમલા બાદ ૨૨ નવેમ્બરના રોજ આમટે પરિવારે સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું.

આ બાબતના નિવેદન પર ડૉ. પ્રકાશ આમટે, ડૉ. વિકાસ આમટે, શીતલની માતા ડૉ. ભારતી અને કાકી ડૉ. મંદાકિની આમટેએ સહી કરી છે. નિવેદન મુજબ બાબા આમટેના વારસાની કાળજી તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. આનંદવનમાં રક્તપિત્તના દર્દીઓ માટે સમાન ઉત્કટ સાથે કાર્ય કરવામાં આવે છે. રક્તપિત્ત સેવા સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. શીતલના તમામ આક્ષેપો પાયા વિહોણા છે.

આમટે પરિવારે સ્પષ્ટ કર્યું હતું કે ડૉ. શીતલ કેટલાક દિવસોથી માનસિક તાણમાં છે. આ કારણે તે પરિવાર પર બેબુનિયાદ આરોપોનો આરોપ લગાવી રહી છે. પરંતુ ડૉ. શીતલની આત્મહત્યાને કારણે આખો પરિવાર ગભરાઈ ગયો છે. આત્મહત્યા બાબતે આમટે પરિવારનું હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આપ્યું નથી.