નવી દિલ્હી:  વર્તમાન સમયમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની કેન્દ્ર સરકાર પાસે ત્રણ ખેડૂત કાયદાને રદ કરવાની માગણી છે અને તેની જગ્યાએ નવા કાયદા લાવવાની વાત કરે છે. ખેડૂતોએ દિલ્હીની સરહદો પણ સીલ કરી દેવાની ચેતવણી આપી દીધી છે. આ બધા વચ્ચે સરકારે ખેડૂતોને વાતચીત કરવાનું કહીને તેમના મનની વાત સાંભળવાનું આમંત્રણ પાઠવ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ ગઈ કાલે વારાણસીથી ખેડૂતોને ખાસ સંદેશ આપ્યો અને નવા કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં જણાવ્યાં. તેમણે વિરોધીઓ પર ખેડૂતોને કૃષિ કાયદા વિરુદ્ધ ભ્રમિત કરવાનો આરોપ પણ લગાવ્યો. આ મુદ્દે સરકારે આજે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પોતે આ વાતની જાહેરાત કરી. આવામાં હવે બધાની નજર છે કે શું વાતચીત દ્વારા ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે, આંદોલન અહીં જ ખતમ થઈ જશે?

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ઠંડીની ઋતુ અને કોવિડ મહામારી ચાલુ છે. આવામાં અમે આંદોલન કરી રહેલા ખેડૂતોને 3 ડિસેમ્બર પહેલા જ વાર્તા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો. તેમણે સંકેત આપ્યો કે સરકાર ખેડૂતોની માગણી પર વિચાર કરવા માટે તૈયાર છે.

ખેડૂતો સાથે આજે થનારી વાર્તા બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં શરૂ થશે. ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને દિલ્હી બોર્ડર છોડીને બુરાડી મેદાન જવાની અપીલ કરી હતી. ખેડૂતો હાલ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરવાની માગણી પર અડીખમ છે. ખેડૂત યુનિયનોએ વાર્તા માટે શરત રાખવાનો પણ વિરોધ કર્યો હતો. હાલ સરકાર તરફથી વાતચીત માટે આમંત્રણ મળતા ખેડૂતો ખુશ છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની માગણી ત્યારે જ પૂરી થશે જ્યારે સરકાર ત્રણ કાયદાને રદ કરશે.

ખેડૂતોએ નિમંત્રણ પહેલા દિલ્હીની સરહદોને જામ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર તરફથી વાતચીતનું આમંત્રણ મળ્યા બાદ હવે નજર એ વાત પર ટકેલી છે કે શું આજે વાતચીત દ્વારા નવા કૃષિ કાયદા પર સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદ ખતમ થશે કે પછી ખેડૂતોનું આંદોલન આગળ ચાલુ રહેશે એ આવનારો સમય જ નક્કી કરશે.