ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ વનડે (ODI) સિરીઝમાં હાર બાદ વિરાટ કોહલીના કેપ્ટનશિપમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. વિરાટ કોહલીના ટીમ સિલેકશન પર પણ ઘણા બધા સવાલો કરવામાં આવી રહ્યા છે. હજુ ભારતે એક વનડે રમવાની છે, જ્યારે ભારતીય ટીમે ટી-20 અને ટેસ્ટ સિરીઝમાં પણ ઑસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે. આવામાં આ વખતે ઑસ્ટ્રેલિયા પ્રવાસનો પડકાર વિરાટ કોહલી માટે અગ્નિપરીક્ષા સમાન જોવા મળી રહ્યો છે.
વિરાટ કોહલીની કેપ્સટનશિપમાં સતત 5 વનડે મેચોમાં પરાજય
છેલ્લી 5 વનડે મેચોમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે.વિરાટ કોહલી 2013થી ટીમ ઇન્ડિયાની વનડેમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ પહેલા વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ક્યારેય આટલી સતત મેચોમાં હારનો સામનો નથી કરવો પડ્યો. તેના કેપ્ટન રહેતા ભારતે અનેકવાર જીતના રેકૉર્ડ બનાવ્યા છે, પરંતુ છેલ્લી 5 મેચોમાં ટીમે સતત હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા 46 વર્ષોમાં ભારતીય ટીમનો સતત હારવાનો સૌથી ખરાબ રેકૉર્ડ સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપમાં બન્યો હતો. 1981માં ભારતીય ટીમ ગાવસ્કરની આગેવાનીમાં સતત 8 મેચોમાં હારી હતી.