આહવા: તાજેતરમાં પ્રસારભારતી દ્વારા ગુજરાતના આકાશવાણીનું લગભગ ૫૭ વર્ષ આહવા કેન્દ્ર સહિત દેશભરના ૯૦ કેન્દ્રો પણ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવતાં રેડિયો સ્ટેશનનો અવાજ કાયમને માટે બંધ થઈ જશે.
સરકારના જણાવ્યા અનુસાર પ્રસાર ભારતીએ રેડિયો પ્રસારણ સેવાઓને ઓપરેટિંગ સ્ટેશન અને કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન એમ બે પ્રકારમાં વિભાજિત કરતાં આહવા સ્ટેશને હવે કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન તરીકે દરરોજ માત્ર અડધા કે એક કલાકની સામગ્રી વેબના માધ્યમથી અમદાવાદ કેન્દ્રને મોક્લવવાની રહેશે. ટ્રાન્સમિશન બંધ જ થઈ જશે એટલે હવેથી આહવા કેન્દ્ર સ્વતંત્ર રીતે કોઈ પણ કાર્યક્રમ બનાવીને કે કોઈ સમાચારનું પ્રસારણ કરી શકશે નહીં.
રોજગારીના સરકારી દાવાઓ વચ્ચે છેલ્લા ૨૫ વર્ષ જેટલા લાંબા સમયથી ભરતી જ કરાઈ નથી કે ટીઆરપીની જેમ રેડિયોના શ્રોતાઓના મત, સંખ્યાના સર્વે જેવી કોઈ કવાયત કરાઈ નથી. ઉપરાંત, ગુજરાતમાં અમદાવાદ કેન્દ્ર ચાલુ રાખીને આહવાની સાથો સાથ રાજકોટ જેવા ધમધમતા તેમજ ભુજ કેન્દ્રને પણ બંધ કરી દેવાયાં છે. સત્તાધીશો, સરકારે રેડિયોને ટકાવવા માટે કોઈ પ્રયાસ જ કર્યા નહીં હોવાની પણ રેડિયો પ્રેમીઓમાં આ નિર્ણય સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.