સુરત: વર્તમાન સમયમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની માગ સાથે ભાવ ધીમે ધીમે પગલે વધી રહ્યા છે. જો તમારે પેટ્રોલ અને ડીઝલમાં પડતર કિંમતના ત્રણ ગણા ભાવ ચૂકવવાના થાય તો એની પાછળ શું કારણ છે ? તેનાથી સરકારને કેટલો ફાયદો થાય છે ? એ સ્વાભાવિક રીતે જાણવાની ઈચ્છા થયા વગર રહે નહિ ! તો ચલો જાણીએ એનું કારણ.?

ભારતના તમામ રાજ્યોમાં આજે પેટ્રોલના એક લીટરનો ભાવ લગભગ ૮૧ રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. જેમાં પેટ્રોલની કુલ કિંમતના ૫૦ ટકા રકમ કંપનીઓ પાસે નહીં પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ટેક્સમાં જાય છે. ૮૧.૦૬ રૂપિયાના ભાવે વેચાતા પેટ્રોલની પડતર કિંમત ૨૫.૩૭ રૂપિયા છે. જેમાં પ્રોસેસિંગ ચાર્જ ૦.૩૬ રૂપિયા લાગે છે. એટલે ટેક્સને બાદ કરી નાખીએ તો એક લીટર પેટ્રોલની પડતર કિંમત ૨૫ રૂપિયા ૭૩ પૈસા થાય છે. પરંતુ તેના પર ૩૨.૯૮ રૂપિયા એક્સસાઈઝ ડ્યૂટી, ૩.૬૪ રૂપિયા ડીલરનું કમિશન, રાજ્ય સરકારે લગાવેલ વેટના ૧૮.૭૧ રૂપિયા લાગે છે. જેથી ૨૫.૭૩ રૂપિયાની પડતર કિંમતના પેટ્રોલના તમારે ૮૧.૦૬ રૂપિયા ચૂકવવા પડતા હોય છે.

ડીઝલની વાત કરીએ તો ૧ લીટર ડીઝલની પડતર કિંમત છે ૨૫.૪૨ રૂપિયા. જેના પર પ્રોસેસિંગ ચાર્જ લાગે છે ૦.૩૩ રૂપિયા. જ્યારે એક્સસાઈઝ ડ્યૂટી ૩૧.૮૩ રૂપિયા લાગે છે. સાથે ૨.૫૨ રૂપિયા ડીલરનું કમિશન અને કમિશન સાથે વેટ ૧૦.૩૬ રૂપિયા લાગે છે. એટલે ૨૫.૪૨ રૂપિયાની પડતર કિંમતના ડીઝલના તમામરે ૭૦.૪૬ રૂપિયા કિંમત ચૂકવવી પડે છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડાથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહતની આશા રાખીને બેઠા હતા. પરંતુ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો હોય તો પણ સામાન્ય માણસ પર ભાવ વધારાનો બોઝ પડી રહ્યો છે. દરેક રાજ્યોની સરકારના નિયમો અલગ અલગ હોય છે. જેથી વધતા ઓછા પ્રમાણમાં પ્રજા પર સમયાંતરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો બોઝ પડતો રહ્યો છે આ પેટ્રોલ-ડીઝલનો વધારવાના સરકારના નિર્ણય પર જનમતનો પ્રતિભાવ શું હશે એ જોવું રહ્યું.