આદિવાસી જનનાયક અને બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. એમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ લીધું અને પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો.

   ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટા નાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. ૧ ઓક્ટોબર ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું.

   ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા આપવામાં આવી. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

   ૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના સાથીઓએ અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ.

   જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યાર બાદ બિરસાના કેટલાક સાથીઓની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી. બિરસા મુંડાએ ૯ જૂન ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.

   આજે પણ બિહાર ઓરિસ્સા ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન જેવા રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજીમેન્ટના સૈનિકોના નારા તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યાર પછીચ બિરસા મુંડા કી જય એમ બોલવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી ૧૫ નવેમ્બર  ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

આજના દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઠેર ઠેર જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યના નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં પણ બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવવામાં આવી હતી જેમાં બિરસાના સમાજસેવાના આદર્શોને ગ્રહણ કરવાના સ્થાનિક BTSના સભ્યો અને આદિવાસી યુવાનોએ નિર્ણય અને પ્રતિજ્ઞા પણ કરી.