રાજ્યમાં કોરોના વાયરસે કેર જારી રાખતાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૨૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. સતત ચોથા દિવસે ૧૧૦૦થી વધુ કેસ નોંધાવવાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧, ૮૭, ૨૪૦ છે. નવેમ્બર માસના ૧૪ દિવસમાં જ કોરોનાના ૧૪૨૯૬ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં એક સપ્તાહ અગાઉ ૧૧ નવેમ્બરના એક્ટિવ કેસ ૧૧૯૩૬ હતા અને તે વધીને હવે ૧૨૫૧૨ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ સાથે કોરોનાથી કુલ મરણાંક ૩૭૯૭ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં ૧૯૮-ગ્રામ્યમાં ૧૭ વધુ ૨૧૫ નવા કેસ નોંધાયા હતા. સતત બીજા દિવસે ૨૦૦થી વધારે દૈનિક કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૪૫ હજારને પાર થઇને ૪૫૧૨૪ થયો છે. સુરત શહેરમાં ૧૪૩-ગ્રામ્યમાં ૪૨ સાથે ૧૮૫ નવા કેસ નોંધાયા હતા.
સુરતમાં કુલ કેસનો આંક હવે ૩૯૬૫૮ છે. વડોદરા શહેરમાં ૧૦૦-ગ્રામ્યમાં ૩૫ એમ ૧૩૫ સાથે ૨૮ સપ્ટેમ્બર બાદ સર્વોચ્ચ દૈનિક કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં ૯૬-ગ્રામ્યમાં ૪૮ સાથે ૧૪૪ વ્યક્તિને કોરોના સંક્રમણ થયું છે. રાજકોટમાં ૭ ઓક્ટોબર બાદ નોંધાયેલા આ સર્વોચ્ચ દૈનિક કેસ છે.
ઉલ્લેખનીય છે કે ચાર જિલ્લાઓમાંથી જ ૬૭૯ કેસ સામે આવ્યા છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૦ સાથે બનાસકાંઠા, ૫૫ સાથે મહેસાણા, ૫૦ સાથે ગાંધીનગર, ૩૩ સાથે સુરેન્દ્રનગર, ૩૦ સાથે પાટણ, ૨૩ સાથે જામનગર, ૨૨ સાથે સાબરકાંઠાનો સમાવેશ કર્યો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૨ જ્યારે અમરેલી, બનાસકાંઠા, ગાંધીનગર, સુરતમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૯૩૪, સુરતમાં ૮૬૪, ગાંધીનગરમાંથી ૯૭, બનાસકાંઠામાંથી ૩૩ જ્યારે અમરેલીમાં ૨૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૫ દર્દીઓ સાજા થયા છે.
જેમાં અમદાવાદમાંથી ૧૯૫, સુરતમાંથી ૨૦૦ નો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ ૧,૭૦,૯૩૧ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને ૯૧.૨૯% થયો છે. ગુજરાતમાં હાલ ૪,૯૫ ૯૩૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૨૯૭૩ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૬૭, ૮૭, ૪૪૦ છે. રાજ્ય સરકાર હવે કોઈ ઝડપી નિર્ણય લે તો સારું !