દક્ષિણ ગુજરાતમાં કોરોના કપરાકાળ વચ્ચે લોકોએ દિવાળી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી ખુબ જ ધામધૂમથી કરી છે. આજે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવા વર્ષને મનાવવા માટે દક્ષિણ ગુજરાતીઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. મહત્વનો સંયોગ એ પણ બન્યો છે કે ભાઈબીજ અને નુતન વર્ષ એક જ દિવસે છે. એટલે વિક્રમ સંવત ૨૦૭૭ના આરંભમાં નૂતન વર્ષની સાથે જ ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના મુખ્ય દેવસ્થાનોએ પૂજા-અર્ચન કરતા દેખાયાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

     બીજી તરફ એક જ દિવસમાં નૂતનવર્ષ અને ભાઈબીજ હોવાને લીધે બન્ને પર્વોને સાથે મનાવવા ભાઈઓ બહેનના ઘરે જઈ ભાઈબીજની ઉજવણી કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંવત ૨૦૭૭નું નવું વર્ષ ઘણી બધી આશાઓ, આકાંક્ષાઓનું વર્ષ સાબિત થશે. નવા વર્ષમાં સૌથી મોટી રાહત કોવિડ-૧૯થી છૂટકારો મેળવવાની હશે. જો સમયસર કોરોનાની વેક્સીન આવી જશે તો કોરોનાથી લોકોને રાહત થશે. નવા વર્ષમાં લોકો કોરોના મહામારીથી છૂટકારો મળે તો તે સૌથી મોટી ઉપલબ્ધી ગણાશેનો જનમત જોવા મળી રહ્યો છે. વીતેલામાં વર્ષમાં કોરોનાની મહામારીને લઇને આખા વિશ્વનું અર્થતંત્ર ખાડે ગયું છે. તેના કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને પણ ભારે ફટકો પડ્યો છે.

    લોકડાઉનને કારણે ઉદ્યોગો બંધ રહ્યા ત્યારબાદ તબક્કાવાર શરૂ થયા. મોટા પ્રમાણમાં કામદારોની બેરોજગાર બન્યા. ઘણાં ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન લોકડાઉન પછીની રાહતમાં પણ શરૂ થઇ શક્યું ન હતું. અહીં સુધી કે કેટલાક ઔદ્યોગિક એકમો માટે મહામારીની કટોકટીમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું. ઉદ્યોગોને આર્થિક ફટકો પડયો તેનાથી ઘણાં કર્મચારીઓને ક્યાં તો નોકરીમાંથી છૂટા કરાયા, ક્યાં તો અડધા પગારે નોકરી કરવી પડી હતી. રોજનું કમાઈને રોજ ખાનારાની હાલત સૌથી વિકટ બની હતી. ઘણાં સર્વિસ સેક્ટરમાં પણ સ્થિતિ કપરી બની છે.

    કોરોના મહામારીની ચિંતામાં ઘણું બદલાઈ ગયું છે. માસ્ક તેમજ સેનેટાઇઝર્સ સાથે સોસિયલ ડિસ્ટન્સિંગ સાથે તાલમેલ કરતા ઘણાંની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર પણ આ વર્ષમાં ઘણું પ્રભાવિત થયું છે. શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ જતા અપાર મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થી અને શિક્ષકો તેમજ શૈક્ષણિક એકમના સંચાલકોની હાલત કફોડી બની ગઈ છે. નાના વેપારીઓની સ્થિતિ પણ મુશ્કેલ બની ગઈ છે. ટ્રેન વહેવાર બંધ હોવાથી મોટા પ્રમાણમાં પ્રાઇવેટ વાહનોમાં નોકરી ધંધા સુધી પહોંચતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. આમ આખું વર્ષ કોરોનાને લઇને લગભગ બધા ક્ષેત્રમાં જ ફટકો પડયો છે.

     સંવત ૨૦૭૭ના નવા વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા ફેરફારો આવશેની લોકો આશ લગાવી રહ્યા છે. હાલમાં જ પ્રદેશના બે જીલ્લામાં ચૂંટણીઓ પુરી થઇ છે. નવા લોક પ્રતિનિધિઓ હવે સત્તા સંભાળશે. વલસાડ અને ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠક પર હવે ભાજપના ધારાસભ્યો સત્તામાં આવ્યા છે. આમ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ  જિલ્લામાં પણ આ વર્ષ ઘણાં ફેરફારો જોવા મળશે શક્યતા દેખાય રહી છે. જયારે કોંગ્રેસ માટે પણ આ વર્ષ હવે મનોમંથન કરીને નવી નેતાગીરી માટે વિચારવાનો સમય છે. સંગઠનને મજબૂત કરવા શું થઇ શકે તે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં સાબિત કરવું પડશે.

      આ ઉપરાંત આ વર્ષમાં ઘણાં ઉલટફેર થાય તેવી સંભાવના છે. એક રીતે ગયું વર્ષ કોરોના મહામારીને કારણે જેટલું વિકટ ગયું છે તેનાથી છૂટકારો મેળવનારું નવું વર્ષ આકાંક્ષાઓનું વર્ષ સાબિત થશે. નવું વર્ષ ઘણી આશાઓ, આકાંક્ષાઓનું વર્ષ સાબિત થશે. ગત વર્ષ કરતા તો નવું વર્ષ બધી રીતે સારું જ હશે. દક્ષિણ ગુજરાતમાં નવું વર્ષ કેટલાક મહત્વના કામોને પુરા કરવાના નિર્ણયોનું લક્ષ્ય બની રહેશે એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.