પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

      દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, બારડોલી અને મહુવા તાલુકાઓમાં મુખ્યત્વે પરવળ, દુધી, કારેલા, તુરીયા, ગલકા, કાકડી, ગીલોડી વેલાવાળા શાકભાજીના પાકોની ખેતી થાય છે. વેલાવાળા શાકભાજી ગરમ ઋતુ એટલે કે ઉનાળો અને ચોમાસાની ઋતુનો પાક છે, પરંતુ જિલ્લામાં શિયાળામાં ઠંડી ઓછી પડતી હોવાથી બારેમાસ ખેતી થાય છે. જિલ્લામાં દર વર્ષે આશરે 6500 હેક્ટર વિસ્તારમાં વેલાવાળા શાકભાજીની ખેતી થાય છે.

      અહીના ખેડૂતો વેલાવાળા શાકભાજીને મંડપ પધ્ધતિથી વેલા ઉપર ચઢાવી વાવેતર કરે છે વધુ ઉત્પાદન તેમજ સારી ગુણવત્તાવાળા ફળો મળે, ફળો સડી જતા અટકે અને રોગ જીવાતનો ઉપદ્રવ ઘટે તેના માટે પિયત, દવા, છંટકાવ, આંતરખેડ, નિંદામણ અને વીણી જેવી કામગીરીમાં ઘણા જ વ્યસ્ત પણ રહેતા હોય છે.

    છેલ્લા 4- 5 વર્ષોથી ખેડુતો આ વેલાવાળા શાકભાજીમાં પણ આધુનિકતા લાવ્યા છે, અને હવે લાકડાના કે સિમેન્ટના થાંભલા ઉભા કરી મંડપ ઉપર ખેતી કરતા થયા છે. સાથે સાથે પ્લાસ્ટિક મલ્ચીંગ, સૂક્ષ્‍મ પિયત પધ્ધતિ અને સારી ગુણવત્તાના બિયારણો ખરીદીને ખેતી કરતા થયા હોવાનું નાયબ બાગાયત નિયામક સુરત દ્વારા જણાવાયું છે.