સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અગ્રણી Facebookએ કોરોના અને તેની રસી વિશે પોતાના પ્લેટફોર્મ અને ઇન્સ્ટાગ્રામ પર ખોટા દાવાઓને હટાવવા પોતાના અભિયાનને વિસ્તારવાની જાહેરાત કરી છે.

ફેસબુકએ સોમવારે મોડી રાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે WHO સહિત પ્રમુખ સ્વાસ્થ સંગઠનો સાથે ચર્ચા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે ફેસબુકે અમેરિકામાં અભિયાન સક્રિય કરી દીધુ હતું. જે હેઠળ ફેસબુક સ્થાનિક લોકો માટે કોરોના સૂચના કેન્દ્રમાં સ્વાસ્થ વેબસાઇટ્સની લિન્કની સુવિધા આપશે, જેથી લોકોને સમજવામાં મદદ મળશે કે તેઓ રસી લેવા માટે યોગ્ય છે કે નહી અને રસી માટે શુ પ્રક્રિયા કરે. ફેસબુકે આ અંગે જાહેરાતમાં એમ પણ કહ્યું હતું કે, માહિતીના આધારે અભિયાનનું વિસ્તરમ કરવામાં આવશે અને વધુને વધુ દેશોમાં આ પ્રક્રિયા કરતા રહીશુ જેથી રસીકરણને લઇને લોકોને માહિતી મળતી રહે અને આ પ્રક્રિયા સરળ બને.

ફેસબુક મુજબ લોકોમાં રસીને લઇને આશંકાઓ દૂર કરવીએ મહત્વનો મુદ્દો છે અને આ માટે અમે જાહેર સ્વાસ્થ સંગઠનોને કોરોના રસી વિશે સચોટ માહિતી જાહેર કરવા અને લોકોને રસી લગાવવા માટે પ્રોત્સાહિત કરવા અર્થે વિશ્વવ્યાપી અભિયાન શરુ કરી રહ્યા છીએ કારણ કે હવે લોકોને કોરોના વાયરસ સામે રસી મળી રહી છે.

ફેસબુકની જાહેરાત મુજબ તે દુનિયાભરના સ્વાસ્થ મંત્રાલયો, બિન સરકારી સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓને વેક્સીન અને સ્વાસ્થ સંબંધી માહિતી દુનિયાભરના અબજો લોકો સુધી પહોંચાડવામાં મદદ અર્થે 120 મિલિયન ડોલરના ખર્ચે જાહેરાત આપી રહ્યું છે. આ સિવાય ફેસબુક ટૂંક સમયમાં કોવિડ-19 સૂચના કેન્દ્રને ઇન્સ્ટાગ્રામ પર લાવવાની પ્રક્રિયા હેઠળ કામ કરી રહ્યું છે.