ભારતીય નૌસેનામાં ફરજમાંથી નિવૃત્ત થયેલા યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આઈએનએસ વિરાટને તોડીને કાટમાળમાં તબદીલ કરી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કેન્દ્ર સહિત અન્યને નોટિસ આપી છે. એક કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આઈએનએસ વિરાટને ભંગારમાં તબદીલ થતું રોકવાની માગ કરી છે તેમજ તેને મ્યુઝીયમમાં તબદીલ કરવા નિર્દેશ આપવા જણાવ્યું છે.

આઈએનએસ વિરાટ નેવીમાં 29 વર્ષની સેવા બાદ માર્ચ 2017માં ડીકમિશન્ડ કરાયું હતું. ત્યારબાદ મુંબઈથી ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના બુધવારના વચગાળાના આદેશને પગલે હવે આઈએનએસ વિરાટને તોડવા પર સ્ટે લાગુ કરાયો છે. અગાઉ સોશિયલ મીડિયા પર આઈએનએસ વિરાટને મ્યુઝીયમમાં તબદીલ કરવાની માગ ઉઠી હતી. કેન્દ્ર સરકારે જુલાઈ 2019માં સંસદમાં જણાવ્યું હતું કે નેવી સાથે ચર્ચા કરાયા બાદ આઈએનએસ વિરાટને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.