ખેડૂતોના ટ્વિટર હેશટેગની સાથે ભ્રામક અને ખોટી માહિતી પોસ્ટ કરવા મામલે કેન્દ્ર સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સરકારે આ મામલે ટ્વિટરને ફાઇનલ નોટિસ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો ટ્વિટરે સરકારની વાત નહીં માની તો કાર્યવાહી કરવામાં આવશે.

ટ્વિટર પર ModiPlanningFarmerGenocide હેશગેટ ચલાવવામાં આવ્યો હતો. સરકારે ટ્વિટરને આવા એકાઉન્ટ પર કાર્યવાહી કરવા માટે કહ્યું હતું, પરંતુ ટ્વિટરે પોતે જ આવા એકાઉન્ટને અનબ્લોક કરી દીધા. સરકારની નોટિસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર કોર્ટની જેમ નિર્ણય કરી શકતું નથી.

નોંધનીય છે કે, ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઇ હતી. સરકારના આવા એકાઉન્ટને બ્લોક કરવાના આદેશ છતાં ટ્વિટરે તેને અનબ્લોક કર્યા હતા. સરકારની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર એક મધ્યસ્થ છે અને સરકારના સૂચનોનું પાલન કરવા માટે બંધાયેલ છે. જો તે આ અંગે ઇનકાર કરશે તો તેની પર કાર્યવાહી કરી શકાય છે. નોટિસમાં સરકારે કહ્યું કે, આ એક મોટિવેટેડ કેમ્પેઇન છે જે સમાજમાં તણાવ પેદા કરવા માટે વગર કોઇ આધારે ચલાવવામાં આવ્યું. આને પ્રોત્સાહન આપવું ફ્રીડમ ઓફ સ્પીચ નથી. આ કાયદાકીય વ્યવસ્થા માટે ખતરો છે. દિલ્હી ગણતંત્ર દિવસે હિંસા જોઇ ચૂક્યું છે.

નોટિસમાં સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયોનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં બંધારણીય બેંચના તે ઓર્ડર પણ સામેલ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી આદેશ શું છે અને અધિકારીઓ અથવા વહીવટી અધિકાર શું છે. એક મધ્યસ્થ તરીકે ટ્વિટર, સરકારના એ આદેશોનું ત્યાં સુધી પાલન કરવા બંધાયેલું છે જ્યાં સુધી અધિકારી તેનાથી સંતુષ્ટ ન થઇ જાય.