દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન હવે નાજુક મોડ પર આવી ગયું હતું કેટલાક ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી લીધા હતા. 26 જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂત નેતાઓના પણ સૂર બદલાઈ ગયા છે. પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલન ખતમ કરવા માટે તૈયાર નથી. તેમણે ગઈ કાલે મીડિયા સમક્ષ ભાવુક થઈને વાત કરતા એટલે સુધી કહી દીધુ કે જો આંદોલન ખતમ થશે તો હું આત્મહત્યા કરી લઈશ. રાકેશ ટિકૈત આંસુથી નબળું પડી રહેલું ખેડૂત આંદોલન ઉલ્ટાનું વધુ મજબૂત બની ગયું.
શું તમે ખેડૂત નેતા રાકેશ ટિકૈત વિશે જાણો છો ખરા. તેઓ એક સમયે દિલ્હી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર હતા અને આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. રાકેશ ટિકૈત બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે તેમને બંનેમાંથી એકવાર પણ જીત મળી નથી. ખેડૂતોની રાજનીતિ તો રાકેશ ટિકૈતને વારસામાં મળી છે. તેમના દિવંગત પિતા મહેન્દ્ર સિંહ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ હતા.
રાકેશ ટિકૈતનો જન્મ 4 જૂન 1969ના રોજ ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર જિલ્લાના સિસૌલી ગામમાં થયો હતો. રાકેશ ટિકૈતે મેરઠ યુનિવર્સિટીમાંથી એમ.એ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એલએલબી કર્યું અને વકીલ બની ગયા. રાકેશ ટિકૈત 1992માં દિલ્હીમાં સબ ઈન્સ્પેક્ટર પદ પર તૈનાત હતા. તે વખતે 1993-94માં દિલ્હીમાં મહેન્દ્રસિંહ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂત આંદોલન ચાલુ હતું.
શા માટે છોડી પોલીસની નોકરી ?
મહેન્દ્ર સિંહ ટિકૈતના પિતા હતા, આથી સરકારે ખેડૂત આંદોલન ખતમ કરાવવા માટે તેમના પર દબાણ સર્જ્યુ કે તેઓ તેમના પિતાને મનાવે. ત્યારબાદ તો રાકેશ ટિકૈતે પદ છોડ્યું અને ખેડૂતોના પડખે ઊભા રહી ગયા.
રાકેશ ટિકૈતની સંપત્તિ
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં રાકેશ ટિકૈત દ્વારા અપાયેલા સોગંદનામા મુજબ તેમની સંપત્તિની કિંમત 4,25,18,038 રૂપિયા હતી. આ ઉપરાંત રાકેશ ટિકૈતના સોગંદનામા મુજબ તે વખતે તેમની પાસે 10 લાખ રૂપિયા કેશ હતી.
બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે પહેલીવાર વર્ષ 2007માં મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા બેઠકથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેઓ હાર્યા હતા. ત્યારબાદ રાકેશ ટિકૈતે 2014માં અમરોહા જિલ્લામાંથી રાષ્ટ્રીય લોક દળની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી અને તે ચૂંટણી હાર્યા હતા.
રાકેશ ટિકૈતનો પરિવાર
રાકેશ ટિકૈતના મોટા ભાઈ નરેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. રાકેશ ટિકૈત પોતે BKU ના પ્રવક્તા છે. રાકેશ ટિકૈતના નાના ભાઈ સુરેન્દ્ર ટિકૈત મેરઠની એક શુગર મિલમાં મેનેજર છે. જ્યારે સૌથી નાના ભાઈ નરેન્દ્ર ટિકૈત ખેતી કરે છે.