ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લઈને નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન બંધ થતા સ્થાનિક લોકોએ અને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી જોવા મળી હતી. અને ટ્રેન બંધ ન કરવા મામલે લડત આપી હતી. ત્યારે તેમની આ લડતનો સુખદ અંત આવ્યો છે. વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય, લોકો માટે ખુશીના સમાચાર છે.

રેલ મંત્રાલયે ચર્ચગેટના જનરલ મેનેજરને પત્ર લખી આ માહિતી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગમાં આવતી 11 ટ્રેન પૈકી ગુજરાતની ૩ ટ્રેનો બંધ નહિ થાય. બીલીમોરા-વઘઈ નેરોગેજ તેમજ મીંયાગામ-માલસર અને કોરડા-મોટીકોરલ ટ્રેનો બંધ નહિ થાય તેવો નિર્ણય લેવાયો છે. છેલ્લા ઘણા સમયથી ખોટ કરતી નેરોગેજ ટ્રેનોને બંધ કરવાનો નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં ભારે નારાજગી જોવા મળી હતી. નવસારીમાં પણ રેલવે સંઘર્ષ સમિતિએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે નેરોગેજ બંધ નહિ રહે તેવા સમાચારથી ડાંગ અને નવસારીના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ડાંગ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં બેસીને લોકો સુરત, વાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતા હોય છે. ત્યારે ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી હતી. ગુજરાતમાં એક તરફ કરોડોના ખર્ચે બૂલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય, ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પૂરાઈ શકે છે.

મહત્વનું છે કે, આ નેરોગેજ ટ્રેનો 100 વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસેથી શરૂ કરાવી હતી. જેમાં ઊંડાણવાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સુવિધા મળે અને ત્યાં અંગ્રેજોને સાગી ઇમારતી, સીસમના લાકડાની લાવવાની સુવિધા મળી રહે તે માટે શરૂ કરાઈ હતી. સમય બદલાતા વાહનવ્યવહાર વધવાની સાથે આ નેરોગેજનો પ્રવાસ લાંબો લાગતા લોકોએ તેનો ઉપયોગ ઓછો કર્યો હતો. પરિણામે તેને ચલાવવુ રેલવે માટે ખોટનો ધંધો થયો હતો. તેમાં પણ વીજળી અને ડીઝલના ભાવમાં વધારો હોઈ સ્ટાફ વગેરેનો પ્રશ્ન હોય એમ દિન-પ્રતિદિન આ ટ્રેનો ચલાવવી રેલવેની પરવડતી ન હતી. આથી રેલવે દ્વારા નેરોગેજ ટ્રેનને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

આ નેરોગેજ ટ્રેન સેવા વલસાડ જિલ્લામાં બીલીમોરાને ડાંગ જિલ્લામાં બનેલ વઘઈ જંક્શન સાથે જોડે છે. આ રુટનું અંતર અંદાજે 63 કિલોમીટર છે. તેમાં મોટાભાગનો વિસ્તાર એવો છે, જે રોડ કનેક્ટિવિટીથી સાવ દૂર છે અને ત્યાંના લોકો માટે એકમાત્ર ટ્રેન સુવિધા જ મોટો સહારો છે. આ ટ્રેનમાં કુલ 5 કોચ છે અને તેનું મેક્સિમમ ભાડુ 15 રૂપિયા છે. ગુજરાતના આ હિસ્સામાં રહેતા આદિવાલી આ ટ્રેનના માધ્યમથી શાકભાજી અને અન્ય ખેતપેદાશોને બિલીમોરા સુધી લઈ જાય છે.

આ ટ્રેન સેવા બંધ થવાની જાહેરાત થયા બાદ આ વિસ્તારના આદિવાસીઓને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું હતું. આદિવાસીઓએ રેલ મંત્રાલયના નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરીને નવસારી કલેકટરને આવેદનપત્ર પત્ર આપ્યું હતું સાથે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, વલસાડના સાંસદ ડૉ. કેસી પટેલ અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલને મળીને તેને ફરી શરૂ કરવાની માંગ કરી હતી. આ ટ્રેન ચાલુ કરાવવા માટે DecisionNewsએ પણ પહેલ કરી હતી અને આજે બીલીમોરા અને વઘઇના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.