દિલ્હીમાં ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂત નેતા રાકેશ ટિકૈતે ગઈકાલે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. જેના પગલે ગુજરાતમાં આદિવાસી નેતા અને BTPના સર્વેસર્વા છોટુ વસાવા તેમને પડખે આવ્યા છે. તેમણે ટ્વિટ કરી રાકેશ ટિકૈતનું સમર્થન કર્યું છે અને રસ્તા પર ઊતરવાની ચીમકી આપી છે. સરકારને ચેતવણી આપીને વસાવાએ કહ્યું છે કે રાકેશ ટિકૈતને એક નાનીઅમથી ઈજા પણ થઈ છે તો આદિવાસી સમાજ રસ્તા પર ઊતરશે.

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન દિવસે ને દિવસે વધુ આક્રમક બન્યું છે ત્યારે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને ખેડૂતનેતા રાકેશ ટિકૈત ગુરુવારે સાંજે મીડિયા સમક્ષ અશ્રુભરી આંખે તૂટી પડ્યા બાદ આ આંદોલનને વધુ વેગ મળ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે અનેક ગામોના ખેડૂતો આંદોલનમાં જોડાયા છે, જેમાં ભરૂચના આદિવાસી વિસ્તાર ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ ટ્વિટ કરી ખેડૂત આંદોલનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. છોટુ વસાવાના પર્સનલ સોશિયલ અકાઉન્ટ પરથી થયેલી પોસ્ટમાં કહ્યું છે કે મહેન્દ્ર ટીકૈતના પુત્ર રાકેશ ટિકૈતને એક નાનીઅમથી ઈજા પણ પહોંચી તો આદિવાસી સમાજ રસ્તા પર ઊતરી વિરોધ કરશે’ આ આદિવાસી બાહુબલી નેતાએ ખુલ્લી ચેતવણી આપી છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે આ આંદોલન ગમે ત્યારે ગુજરાતમાં શરૂ થઇ શકે છે, જે માટે સરકાર અને તંત્ર તૈયાર રહે.

https://twitter.com/Chhotu_Vasava/status/1354850479029710856?s=20

આપને જણાવી દઈએ કે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના બે દિવસ પછી પ્રશાસને ખેડૂતોને ગાજીપુર બોર્ડરનો વિસ્તાર ખાલી કરવાનું કહ્યું છે. પોલીસની ચેતવણી પછી ધરણાં પર બેઠેલા અનેક ખેડૂતો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે સાંજ સુધી મોટી સંખ્યામાં દિલ્હી અને યુપી પોલીસ ગાજીપુર બોર્ડર પર પહોંચી હતી. પોલીસની આ સખતાઈ પર ભારત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતનાં આંસુ સરી પડ્યાં ગયાં. તેમણે રડતાં રડતાં કહ્યું હતું, ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. હું આ દેશના ખેડૂતોને બરબાદ નહીં થવા દઉં.’