એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફોરેન એક્સચેન્જ કાયદા અને દેશના કાયદાઓનો કિથત ભંગ બદલ ઇ-કોમર્સની જાયન્ટ કંપની એમેઝોન વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ તપાસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ. એક્ટ(ફેમા)ની વિવિધ કલમો હેઠળ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ વાણિજય મંત્રાલયે એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાના સંદર્ભમાં કાર્યવાહી કરવા કેન્દ્રીય તપાસ એજન્સીઓને નિર્દેશ આપ્યા હતાં.

આ નિર્દેશ પછી ઇડીએ એમેઝોન વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે અમેરિકા સ્થિત કંપની એમેઝોન દ્વારા ફ્યુચર રિટેલને અંકુશમાં રાખવાનો પ્રયત્ન ફેમા અને એફડીઆઇના નિયમોનો ભંગ છે. ઇડીની આ તપાસ અંગે જ્યારે એમેઝોનના પ્રવક્તાનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે ઇડીએ શરૂ કરેલી તપાસ અંગે હજુ સુધી અમારી પાસે કોઇ માહિતી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી આ સમગ્ર કેસની તપાસ કરશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(સીએઆઇટી)એ પણ આક્ષેપ કર્યો છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ ફેમા અને એફડીઆઇના નિયમોનો ભંગ કરી રહી છે.

સીએઆઇટીએ આક્ષેપ કર્યો છે કે આ ઇ કોમર્સ કંપનીઓ ગેરકાયદેસર રીતે રોકાણ અને વેપાર દ્વારા ફેમા અને એફડીઆઇના નિયમોનો ભંગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એમેઝોને ફ્યુચર ગુ્રપ અને રિલાયન્સ વચ્ચે 24,713 કરોડ રૂપિયાની થયેલી સમજૂતી સામે વાંધો ઉઠાવ્યો હતો.