દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદનાં પગલે અહીના સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. શિયાળાની ઋતુમાં કમોસમી માવઠાને પગલે નવસારી અને વલસાડ જિલ્લામાં શાકભાજી સહિત ફળફળાદીની વાડીઓ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને જંગી આર્થિક નુકસાની વેઠવાની નોબત આવી છે.

નવસારી અને વલસાડ જિલ્લામાં નવા વર્ષનાં આગમનની સાથે વાતાવરણમાં પલટો આવી જતા સતત એક સપ્તાહ સુધી માવઠાની અસર વર્તાઈ હતી. જેના પગલે આ બંને જીલ્લાના ખેડૂતોને જંગી નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. સાથે સાથે બંને જિલ્લાઓમાં ગુરુવારે અને શુક્રવારે પડેલા ધોધમાર વરસાદનાં પગલે ચોમાસાનો માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાનાં સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનાં શાકભાજીનાં પાકોને જંગી નુકસાન થયુ છે.

સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ શાકભાજી ખેતી કરી હતી. ગતરોજ ભારે વરસાદ વરસી જતા ખેડૂતોનાં શાકભાજીના પાકમાં જંગી નુકસાન થયુ હતું. કમોસમી માવઠામાં શાકભાજીનાં ભાવ ન મળવાનાં કારણે ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની ગયો છે ત્યારે આ ખેડૂતો સરકાર પાસેથી સહાયની માંગણી કરી રહ્યા છે.