ભારતમાં કોરોનાની વેક્સિનને લઈને તમામ તૈયાર પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન શરૂ થયો છે. દેશના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. મહત્વનું છે કે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 જિલ્લામાં 259 જગ્યા પર કોવિડ-19 અંગે ડ્રાય રનનું આયોજન થયું છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હૉસ્પિટલ જઈને વેક્સિનના ડ્રાય રન વિશે માહિતી મેળવી હતી.

 જીટીબી હૉસ્પિટલથી ખાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ઘને કહ્યુ કે, “હું તમને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપો. વેક્સિનની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. પોલિયોના રસીકરણ વખતે પણ અલગ અલગ પ્રકારની અફવા ઉડાડવામાં આવી હતી પરંતુ લોકોએ રસી મુકાવી હતી. જેના પરિણામે આજે આપણો દેશ પોલિયો મુક્ત છે.

આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, છેલ્લે ચાર રાજ્યમાં ડ્રાય રન થયો હતો. આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડ્રાય રન ચાલી રહ્યો છે. વેક્સિન આપતી વખતે જે પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે તે તમામ પ્રક્રિયા ડ્રાય રનમાં કરવામાં આવી રહી છે. કોરોનાની રસી ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ આખા દેશમાં ફ્રીમાં આપવામાં આવશે.