સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું BJPની કોરોના વેક્સીન લગાવીશ નહીં, કારણ કે મને બીજેપી પર વિશ્વાસ નથી. અખિલેશે બીજેપી પર કટાક્ષ કરતા કહ્યું કે જે સરકાર તાળી અને થાળી વગડાવી રહી છે તે વેક્સીનેશન માટે આટલી મોટી ચેઇન કેમ બનાવી રહી છે. તાળી અને થાળીથી જ કોરોનાને ભગાડી ના દે. તેમણે કહ્યું હતું કે હું હાલ કોરોના વેક્સીન લગાવીશ નહીં. હું બીજેપીની વેક્સીન પર કેવી રીતે વિશ્વાસ કરી શકું. જ્યારે અમારી સરકાર બનશે તો બધાને મફત વેક્સીન મળશે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ગંગા જમુના તહજીબ એક દિવસમાં બની નથી. તેને બનવામાં હજારો વર્ષ લાગ્યા છે. હું ઘણો ધાર્મિક વ્યક્તિ છું. મારા ઘરની અંદર મંદિર છે અને મારા ઘરની બહાર પણ મંદિર છે. ભગવાન રામ બધાના છે, આખી દુનિયાના છે. સરકારે અયોધ્યાના ખેડૂતોનું પણ સાંભળવું જોઈએ. જેમની જમીન અધિગ્રહિત કરી લીધી છે. અખિલેશે કહ્યું કે હાલ અયોધ્યામાં ફક્ત બે દિવસ દિવાળી મનાવવામાં આવે છે. જો અમારી સરકાર આવી તો અયોધ્યામાં આખું વર્ષ દિવાળી મનાવીશું. અમારી સરકાર આવી તો અયોધ્યા નગર નિગમનો કોઈ ટેક્સ લાગશે નહીં.

અખિલેશ યાદવે બીજેપી પર ખોટા વાયદા કરવાનો આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ઘણા મુશ્કેલ દિવસો જોયા છે. આટલા ખરાબ અને કાળા દિવસો અમે લોકોએ ક્યારેય જોયા ન હતા. એક આઈપીએસ અધિકારીએ એક વેપારીને મરાવી નાખ્યો. સરકાર ખોટા કેસના નામે લોકો લોકો પાસે વસૂલી કરી રહી છે.