દિલ્લી: 11થી 16 માર્ચ સુધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા છ દિવસીય વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વના સૌથી મોટા સાહિત્ય મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના કવિ-લેખક કુલીન પટેલે સ્વરચિત કવિતાઓ સાથે ધોડીઆ પરિચય કરાવ્યો

Decision News ને મળેલી માહિતી મુજબ ઉદ્દઘાટન કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાહિત્યોત્સવ દરમિયાન કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ તેમજ છત્તીસગઢના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન સહિત મોટી સંખ્યામાં લેખકો અને વિદ્વાનોએ ભાગ લીધો છે. સુપ્રસિદ્ધ ગીતકાર ગુલઝાર પણ આ સાહિત્ય મહોત્સવનો એક હિસ્સો હતા. આ વર્ષે સાહિત્ય અકાદમી તેની સ્થાપનાના ૭૦ વર્ષ પૂર્ણ કરી રહી છે, તેથી આ વખતનો સાહિત્ય ઉત્સવ વિશેષ છે અને દુનિયાનો‌ સૌથી મોટો સાહિત્યોત્સવ ભારતની રાજધાની દિલ્હી ખાતે યોજાયો છે. દક્ષિણ ગુજરાતમાંથી જાણીતા કવિ-લેખક કુલીન પટેલને પણ આ કાર્યક્રમમાં નિમંત્રિત કરાયા હતા.

કુલીન પટેલ પોતાની જન્મભાષા ધોડીઆ ઉપરાંત ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં કવિતાઓ, વાર્તા તેમજ લેખો લખીને દક્ષિણ ગુજરાતની આદિવાસી ધરાના જીવન સાહિત્યને દુનિયા સમક્ષ મૂકતા આવ્યા છે. ધોડીઆ ભાષા અંગે એમણે વિશેષ રીતે કામ કરીને સાહિત્ય જગતમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધોડીઆ ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી આપવા બાબતે કુલીન પટેલની કામગીરીના પ્રતાપે ધોડીઆ આદિવાસી સમુદાયની ઓળખ વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈ છે.
નવી દિલ્હી ખાતેના સાહિત્યોત્સવ ટાણે “આદિવાસી લેખક સંમેલન” સત્ર દરમિયાન કુલીન પટેલ દ્વારા ધોડીઆ ભાષામાં પોતાની કવિતાઓ સથવારે વર્તમાન ધોડીઆ સાહિત્ય પ્રવૃત્તિ અંગેની માહિતી રજુ કરીને ઉપસ્થિત વિદ્વાન સાહિત્યકારો તરફથી વાહવાહી પ્રાપ્ત કરી છે. કવિતાઓ રજુ કરવા ઉપરાંત એમણે હાજર સાહિત્ય રસિકો સમક્ષ દક્ષિણ ગુજરાતનું આદિવાસી જીવન દર્શાવતા મુદ્દાઓ અંગે વિશિષ્ટ છણાવટ કરીને ધોડીઆ આદિવાસી સમુદાયની સાંસ્કૃતિક -સાહિત્યીક લાક્ષણિકતાઓ દુનિયા સામે મૂકી આપી હતી.