પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુટા સિંહનું શનિવારે વહેલી સવારે નિધન થયું છે. બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને દિલ્હી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં ગત ઓક્ટોબરમાં દાખલ કરાયા હતા. એઈમ્સમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 86 વર્ષીય બુટા સિંહનું નિધન પરોઢીયે 5.30 કલાકે થયું હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વર્ગસ્થ સિંહના નિધન બદલ સાંત્વના પાઠવી હતી.

બુટા સિંહ સૌપ્રથમ વખત 3જી લોકસભામાં સાધના બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૌપ્રથમ તેઓ અકાલી દલમાંથી ચૂંટણી લડ્યા હતા અને બાદમાં 1960માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે પંજાબી સાહિત્ય તેમજ શિખ ઈતિહાસ અંગેના કેટલાક લેખો પણ લખ્યા હતા તેમજ પંજાબી સ્પીકિંગ સ્ટેટ શિર્ષકથી પુસ્તક પણ લખ્યું હતું.