વાંસદા: વર્તમાન સમયમાં લોકસભાના 514 માંથી 225 (44 ટકા) સાંસદ સામે ફોજદારી લો કેસ છે. જ્યારે પાંચ ટકા સંસદ સભ્યો 100 કરોડથી વધુની મિલકત સાથે અબજપતિ હોવાનું એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ જણાવ્યું છે.
ADRના જણાવ્યા અનુસાર સાંસદોની એફિડેવિટમાંથી મહત્વની વિગતો જાણવા મળી છે. જેમાં ફોજદારી કેસનો સામનો કરી રહેલા ૨૯ ટકા સાંસદ સામે ગંભીર આરોપો છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, કોમી તોફાનોને પ્રોત્સાહન, કિડનેપિંગ અને મહિલાઓ સામેના ગુનાનો સમાવેશ થાય છે. નવ સાંસદ સામે હત્યાના કેસ ચાલી રહ્યા છે, જેમાંથી પાંચ ભાજપના હોવાનું વિશ્લેષણની વિગતમાં જણાવાયું છે. વધુમાં, 28 વર્તમાન સાંસદોએ પોતાની સામે હત્યાના પ્રયાસનાં ગુના નોંધાયો હોવાનું જાહેર કર્યું છે, જેમાંથી 21 સાંસદો ભાજપના છે. ૧૬ સાંસદ મહિલાઓ સામેના ગુનાના કેસનો સામનો કરી રહ્યા છે. જેમાં ત્રણ સામે બળાત્કારનો આરોપ છે. અહેવાલમાં સાંસદોના આર્થિક પાસાને પણ આવરી લેવામાં આવ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ સૌથી વધુ અબજપતિ સાંસદ ધરાવે છે. અન્ય પક્ષના સંસદસભ્યોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. કેટલાક સાંસદો કરોડોની સંપત્તિ ધરાવે છે. જ્યારે કેટલાક પાસે બહુ ઓછી મિલકત છે. ફોજદારી કેસ હોય તેવા સાંસદોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશના સાંસદો સામેલ છે. આ રાજ્યોના 50 ટકાથી વધુ સાંસદો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. એડીઆરના અહેવાલમાં સાંસદોના શિક્ષણ, વય સહિતની વિગતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 73 ટકા સાંસદો સ્નાતક કે એથી ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જ્યારે કુલ સાંસદોમાં મહિલાઓની સંખ્યા માત્ર ૧૫ ટકા છે. અહેવાલમાં શિક્ષણ લાયકાત, ઉંમર અને લિંગ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે. 73 ટકા સાંસદો સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણની લાયકાત ધરાવે છે.