ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ.અનામિક શાહની બીજી ટર્મ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ખોટી સર્ચ કમિટીના આધારે નવા કુલનાયક તરીકે ડૉ. રાજેન્દ્ર ખીમાણીની પસંદગી થઈ હોવાની ફરિયાદ અને યુજીસીની નોટિસ બાદ હાલ પ્રક્રિયા રોકી દેવાઈ છે ત્યારે વિદ્યાપીઠ મંડળ દ્વારા ડૉ.અનામિક શાહની મુદત 6 માસ સુધી લંબાવી દેવાઈ છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાય ડૉ.અનામિક શાહની બીજી ટર્મ પુરી થયા બાદ તેઓને 6 મહિના સુધીનું એક્સટેશન આપવામા આવ્યુ છે.જો કે હવે તેઓ ઈન્ચાર્જ કુલનાયક તરીકે રહેશે અને જ્યાં સુધી નવા કુલનાયકની વિધિવત નિમણૂંક ન થાય ત્યાં સુધી અથવા 6 મહિના પુરા થાય ત્યાં સુધી જેમાંથી જે પહેલા આવે ત્યાં સુધી તેઓ ઈન્ચાર્જ કુલનાયક રહેશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાપીઠે ત્રણ સભ્યોની સર્ચ કમિટી નિમી દીધી હતી અને સર્ચ કમિટીએ આવેલ અરજીઓ માંથી ત્રણ નામ પસંદ કરી રિપોર્ટ આપ્યો હતો ત્યારબાદ વિદ્યાપીઠે નવા કુલનાયક તરીકે ડૉ.રાજેન્દ્ર ખીમાણીની પસંદગી કરી પણ લીધી હતી. પરંતુ તેઓ વિધિવત રીતે 1 જાન્યુ.2021થી ચાર્જ સંભાળે તે પહેલા જ નિમણૂંકને લઈને વિવાદ ઉભો થયો.

વિદ્યાપીઠને યુજીસી દ્વારા નોટિસ આપી પ્રક્રિયા રોકી દેવા આદેશ કરાયો હતો અને 2019ના નિયમો બંધનકર્તા હોઈ તે મુજબ એમ.એચ.આર.ડી ના એક સભ્ય સાથેની સર્ચ કમિટી નિમવા જણાવ્યુ હતું. જેને પગલે વિદ્યાપીઠે તમામ પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી.