નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં 1500થી વધુ મોબાઈલ ટાવર તોડી નાંખ્યા છે. જેનાથી કેટલાક વિસ્તારોમાં દૂરસંચાર સેવાઓ પ્રભાવિત થઈ છે. ખેડૂતોનું માનવું છે કે, નવા કૃષિ કાયદાથી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને સૌથી વધુ ફાયદો થશે. આથી તેઓ પોતાનો આક્રોશ મુકેશ અંબાણીની કંપની Jioના મોબાઈલ ટાવરો પર ઉતારી રહ્યાં છે. રાજ્યમાં અનેક ભાગોમાં આવા ટાવરોનો વીજ પૂરવઠો ખોરવી નાંખવામાં આવ્યો છે. આ સાથે જ કેબલ પણ કાપી નાંખવામાં આવ્યાં છે.

જલંધરમાં Jioના ફાઈબર કેબલના કેટલાક બંડલો પણ આગને હવાલે કરી દેવામાં આવ્યાં છે.રાજ્યમાં Jioના 9,000થી વધુ ટાવર છે. ટાવરને નુક્સાન પહોંચાડવાની સૌથી શ્રેષ્ઠ રીત છે, તેનો વીજ પૂરવઠો કાપી નાંખવો. મળતી માહિતી મુજબ એક કેસમાં ટાવર સાઈટ પર લાગેલા જનરેટરને લોકો ઉઠાવીને લઈ ગયા અને તેને સ્થાનિક ગુરુદ્વારામાં દાન આપી દીધુ. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંન્દર સિંહે શુક્રવારે આંદોલનકારી ખેડૂતોને અપીલ કરી હતી કે, તેઓ એવું કોઈ પગલું ના ભરે, જેથી સામાન્ય લોકોને તકલીફ થાય. હવે મુખ્યમંત્રીએ મોબાઈલ ટાવરને નુક્સાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ એક્શન લેવાના આદેશ આપી દીધા છે.

રાજ્ય પોલીસે પણ ટાવર તોડનારા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી અને મોટાભાગના કેસોમાં FIR પણ દાખલ નથી થઈ. જ્યારે ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશન (TIPA)નું કહેવું છે કે, 1600 જેટલા ટાવરોને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે.