સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારમાં ઈકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કર્યો છે અને એમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના કુલ-121 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. BTPની આગેવાનીમાં મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના આદિવાસીઓ ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવા નર્મદા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા.

ડેડીયાપાડાના બીટીપી ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ ચૈતર વસાવા, રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ સરાધ વસાવા, બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસીઓએ નર્મદા કલેકટર ડી.એ.શાહને રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનને લીધે 121 ગામના લોકો વિસ્થાપિત થશે તેઓ જમીન વિહોણા થઈ જશે. એ વિસ્તારના ગામ લોકોની જમીનમાં ઈકો સેન્સિટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવાની કામગીરી ચાલી રહી છે, જે આદિવાસીઓની જમીનો છીનવી લેવાની સરકારની નીતિ છે

ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનના નામે સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરી એ જમીનો પ્રવાસનના નામે ઉદ્યોગપતિઓને આપવા માંગે છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરકારે આદિવાસીઓની જમીનો છીનવી લઈ એમને રંજાડવાનું કામ કર્યું છે. અમે ઈકો સેન્સિટિવ ઝોન કાયદાને કદી પણ નહીં સ્વીકારીએ, સરકાર આદિવાસી વિસ્તારમાં જે યોજનાઓ ચાલુ કરી છે એ બંધ નહિ કરે તો અમેં જલદી આંદોલન કરીશું.

ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો જો આદિવાસીઓના જળ, જંગલ, જમીન અને અસ્તિત્વને બચાવવા એક નહિ થાય તો આવનારા સમયમાં આદિવાસી સમાજ એવા તમામ નેતાઓને ઘર ભેગા કરશે. ભાજપ કોંગ્રેસ બન્નેવ એક થઈ સરકારના હાથ બની ગયા છે. ઈકો સેન્સેટિવ ઝોન જો રદ નહિ થાય તો દેશના 12 કરોડ આદિવાસીઓ આંદોલન કરશે, જો સરકાર આદિવાસીઓના હક પર હુમલો કરવાનું બંધ નહિ કરે તો અમે, અમારા હક માટે જેલ ભરો આંદોલન કરવા પણ ખચકાઈશું નહિ અને આગળ લડત લડતા રહીશું. હવે આવનારા સમયમાં સરકાર શું પગલાં ભરશે એ જોવું રહ્યું.

By ચિરાગ તડવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.