સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારને ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારાના 121 ગામોનો સમાવેશ કરાયો છે. આ ગામોમાં હાલ તલાટીઓ દ્વારા ખેડૂત ખાતેદારોના ખાતામાં 135ની કાચી એન્ટ્રી પણ પાડવામાં આવી હોવાની વાતને લઈને લોકોમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે PM મોદીને પત્ર લખીને 121 ગામને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કરવા રજૂઆત કરી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને સંબોધતા જણાવ્યું છે કે, નર્મદા જિલ્લામાં આદિવાસીઓની જનસંખ્યા વધુ છે અને આદિવાસીઓ જંગલ પેદાશો અને પશુપાલન પર નિર્ભર છે. નર્મદા જિલ્લાના ઇકો-સેન્સેટીવ ઝોનમાં સમાવાયેલા 121 ગામમાં ખેડૂતોને જાણકારી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર એમની માલિકીની જમીનમાં સરકારી લોકોએ દખલ કરવાની શરૂઆત કરી છે, જેથી એમનામાં ભારે નારાજગી ફેલાઈ છે. 121 ગામના લોકો જન આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે તેવો ડર વિપક્ષી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને આપી આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયના લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર ઉપેક્ષાના શિકાર બની દેશની મુખ્ય ધારામાંથી કપાઈ રહ્યા છે. વર્તમાન ઇકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકસાન થવાનો ખતરો વધી ગયો છે. દેશનો વંચિત વર્ગ એમની જમીન અને જંગલ સાથે છેડછાડ કર્યાં વગર વિકાસ માટેનો કોઈ રસ્તો કાઢવા અપેક્ષા રાખીને બેઠો છે.

રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ખેડૂતોના હિતમાં અભયારણ્ય કાયદો રદ્દ કર્યો છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારના વિકાસ માટે 121 ગામને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક બહાર કરવા આવશ્યક છે. આમ કરવાથી લોકોમાં ફેલાયેલો અસંતોષ શાંત પડશે અને એ વિસ્તારમાં વિકાસને પણ વેગ મળશે. નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો-સેન્સેટીવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ્દ કરવી આવશ્યક છે.

By ચિરાગ તડવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.