નવા કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી સોંપવા જઈ રહેલા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓની કૂચને પોલીસે અટકાવી દીધી. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં લીધા. ત્યારબાદ પોલીસ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓને એક બસમાં બેસાડીને લઈ ગઈ. જો કે થોડીવારમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો દિલ્હીમાં વિજય ચોકથી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓને અટકાવ્યા. રાહુલ ગાંધી અને ફકત બે નેતાઓને મળવાની મંજૂરી મળી હતી. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને હસ્તાક્ષરની કોપી સોંપી. ત્યારબાદ રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે આ કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. દેશ જોઈ રહ્યો છે કે ખેડૂતો કાયદા વિરુદ્ધ છે. હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે ખેડૂતો હટશે નહીં, જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કોઈ પાછા જશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર સંસદનું જોઈન્ટ સત્ર બોલાવે અને આ  કાયદાને તરત પાછા ખેંચે. રાહુલે કહ્યું કે આજે ખેડૂતો દુખ અને દર્દમાં છે. કેટલાક ખેડૂતોના મોત પણ થયા છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અસંતોષને આતંકવાદી તત્વો તરીકે વર્ગીકૃત કરાય છે. અમે ખેડૂતોના સમર્થનમાં અવાજ બુલંદ કરવા માટે આ કૂચ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જવાન ખેડૂતનો પુત્ર હોય છે, જે ખેડૂતોનો અવાજ ઠુકરાવી રહ્યો છે અને પોતાની જીદ પર અડેલો છે. જ્યારે દેશનો અન્નદાતા ઠંડીમાં બહાર બેઠો છે. આ સરકારના હ્રદયમાં જવાન, ખેડૂતો માટે આદર છે કે ફક્ત પોતાની રાજનીતિ, પોતાના પૂંજીપતિ મિત્રોનો આદર છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.