પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસના નવા 22,890 કેસ નોંધાતા કુલ કેસલોડ 99.79 લાખ થયો છે. દરમિયાન કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 95 લાખથી વધી ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં વધુ 338 દર્દીનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1,44,789 થયો હતો.

સરકારના ડેટા મુજબ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. કુલ કેસ 23,000થી નીચે રહે છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 99,79,447 થયો છે. રિકવરી રેટ વધીને 95.40 થયો છે તેમજ મૃત્યુદર 1.45 ટકા નોંધાયો છે. સળંગ 12માં દિવસે કોરોનાના સક્રિય કેસો ચાર લાખથી નીચે રહ્યા છે.

દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસો 3,13,831 રહ્યા છે જે કુલ કેસલોડના 3.14 ટકા થાય છે. આઈસીએમઆરના મતે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 15,89,18,646 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે દેશમાં 11,13,406 કોરોના સેમ્પલ ટેસ્ટ થયા હતા. વધુ 338 દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 65, પશ્ચિમ બંગાળમાં 44, દિલ્હીમાં 35 અને કેરળમાં 27 દર્દીનાં મોત થયા હતા.