ઉત્તર પ્રદેશના સંભલમાં ખેડૂત આંદોલનમાં સામેલ થનારા 6 ખેડૂતોને 50-50 લાખ રૂપિયાની પર્સનલ બોન્ડ ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જેમાં ભારતીય કિસાન યુનિયન અસલીના જિલ્લાધ્યક્ષ રાજપાલ સિંહ, જયવીર સિંહ, સત્યેન્દ્ર, વીર સિંહ અને રોહદાસ સામેલ છે. આ નોટિસ ઉપજિલ્લાધિકારી સંભલ તરફથી આપવામાં આવી છે.

જો કે પોલીસે દાવો કર્યો છે કે, આ રકમમાં ભૂલ થઈ ગઈ હતી અને તેને ઓછી કરી દેવામાં આવશે. જો કે ખેડૂતોનું કહેવું છે કે, આ પ્રકારે નોટિસ ફટકારવી લોકતાંત્રિક અધિકારોનું હનન છે.

જિલ્લાધિકારીએ નોટિસમાં કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનથી શાંતિભંગ થવાનું જોખમ છે. આથી 50-50 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ થકી બે જામીન ભરવા માટે નોટિસ ઈસ્યૂ થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આંદોલનને કચડવા માંગે છે. તેમણે રૂપિયા ભરવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ ખેડૂતોને સમજાવવા માટે કૃષિ મંત્રીએ 8 પેજનો પત્ર લખ્યું છે. આ પત્ર એક બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, પિયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ હતા.