મહારાષ્ટ્રમાં આવેલી એક પ્રાથમિક સ્કૂલના શિક્ષક રંજીતસિંહ દિસાલેના વાર્ષિક “ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020″ના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાદી ગામના રહેતા 32 વર્ષના રણજીતસિંહ દિસાલેને 10 લાખ અમેરિકન ડોલર મળ્યાં છે.

રણજીત સિંહને “ગ્લોબલ ટીચર પ્રાઈઝ” નો એવોર્ડ છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને દેશમાં ત્વરિત કાર્યવાહી (QR Code) વાળા પાઠ્યપુસ્તકની ક્રાંતિને ટ્રિગર કરવા માટે મળ્યો છે. રણજીત સિંહ દિસાલેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ શુભેચ્છા પાઠવી છે. ગ્લોબલ ટીચર પ્રાઈઝ જીત્યા બાદ રણજીતસિંહ દિસાલેએ કહ્યું કે, તેઓ પોતાને ઈનામમાં મળેલી રકમનો અડધો હિસ્સો પોતાના સાથીઓને તેમના કાર્યમાં મદદ માટે આપશે.

દિસાલેએ જણાવ્યું કે, કોરોના મહામારીના કપરા કાળમાં સ્કૂલો બંધ છે. સ્કૂલોમાં ડિજિટલ લર્નિંગ તો થઈ રહ્યું છે, પરંતુ તે નક્કર નથી. ખાસ કરીને છોકરીઓ તેમાં પાછળ પડી રહી છે, કારણ કે તેમના હાથમાં મોબાઈલ ઓછો આવે છે.

જો કે આવા મુશ્કેલ સમયમાં પણ શિક્ષક એ પ્રયત્ન કરી રહ્યાં છે કે, દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળી રહે. આથી મને આજે જાહેરાત કરતાં આનંદ થાય છે કે, મને ઈનામમાં મળેલી રકમનો અડધો હિસ્સો મારા સાથીઓને તેમના કાર્યને આગળ વધારવામાં આપીશ.