પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડૉક્ટરની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચિઠ્ઠી ફરજિયાત હતી. હવે કોઈ પણ વ્યક્તિ જેને એવું લાગે કે તેને કોરોનાનો ટેસ્ટ કરાવવો છે તે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના ટેસ્ટ માટે સરકારે કેટલીક ખાનગી લેબને મંજૂરી આપી છે. આ ઉપરાંત સરકારી હૉસ્પિટલો અને જે તે શહેરના તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ ટેન્ટ ઊભા કરીને કોરોના ટેસ્ટ કરવાની કામગારી કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત 800 રૂપિયા રહેશે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.