ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન ગીતાંજલિ રાવને તેના શાનદાર કાર્ય માટે ટાઇમ મેગેઝિનએ સૌ પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ ના ટાઇટલથી સન્માનિત કરી છે. તે એક મેધાવી યુવા વૈજ્ઞાનિક તથા ઇન્વેન્ટર છે. ગીતાંજલિએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી દૂષિત પેયજળથી લઈને અફીમની લત અને સાઇબર ફ્રોડ જેવા મુદ્દાઓના ઉકેલના મામલામાં શાનદાર કાર્ય કર્યું છે. ટાઇમે કહ્યું કે, આ દુનિયા એ લોકોની છે જે તેને આકાર આપે છે.

ટાઇમના પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ માટે 5000થી વધુ દાવેદારો માંથી ગીતાંજલિની પસંદગી કરવામાં આવી છે. ટાઇમ સ્પેશલ માટે અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા એન્જલીના જોલીએ તેની સાથે ઇન્ટરવ્યૂ કર્યો. ગીતાંજલિએ કોલેરૈડો સ્થિત પોતાના ઘરથી જોલી સાથે ડિજિટલ માધ્યમોથી કરવામાં આવેલી વાતચીત દરમિયાન પોતાની પ્રક્રિયા વિશે જણાવ્યું કે, અવલોકન કરો, વિચારો, રિસર્ચ કરો, નિર્મિત કરો અને તેને દર્શાવો. ટાઈમના જણાવ્યા મુજબ ગીતાંજલિએ કહ્યું કે, દરેક સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ ન કરો, પરંતુ તેની પર ધ્યાન કેન્દ્રીત કરો જે આપને પ્રેરે છે. જો હું આ કરી શકું છું તો કોઈ પણ આ કરી શકે છે.

ગીતાંજલિએ કહ્યું કે તેની જનરેશન અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે જે પહેલા ક્યારેય સામે નથી આવી. તેણે કહ્યું કે, પરંતુ તેની સાથે અમને જૂની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે જે હજુ પણ અડચણરૂપ છે. જેમકે અમે અહીં એક નવી વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને અમે હજુ પણ માનવાધિકારોના મુદ્દાનો સામનો કરી રહ્યા છીએ. આવી સમસ્યાઓલ છે જે અમે ઊભી નથી કરી પરંતુ તેનો હવે અમારે ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ શોધવાનો છે, જેમકે જળવાયુ પરિવર્તન અને સાઇબર અટેક. બીજા કે ત્રીજા ગ્રેડમાં હતી ત્યારથી તેણે એ વિચારવાનું શરૂ કરી દીધું હતું કે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે સામાજિક પરિવર્તન લાવવામાં કરી શકાય છે.