ગુજરાત: B. J. મેડિકલ કૉલેજનો અભ્યાસ કહે છે કે સ્કૂલનાં બાળકો રોજ ત્રણ કે સાડાત્રણ કલાક સ્ક્રીન- ટાઇમ ગાળે છે. એને કારણે ખૂબ નાની ઉંમરથી ડ્રાય આઇઝ ડિસીઝ એટલે DEDનું જોખમ ખૂબ વધી રહ્યું છે. આંખોમાં ડ્રાયનેસને કારણે બળતરા, ખંજવાળ, લાલાશ, આંખ થાકી જવી જેવી તકલીફો તો રહે જ છે સાથે એ લાંબા ગાળે વૃષ્ટિને પણ અસર કરે છે
જન્મતાની સાથે જ બાળક મોબાઇલ સ્ક્રીનથી વાકેફ થઈ જાય છે. આજનો વિષય મોબાઇલ સ્ક્રીન નથી પરંતુ એના કારણે બાળકોમાં વધી રહેલી આંખોને લગતી સમસ્યા છે. તાજેતરમાં જ અમદાવાદની B. J. મેડિકલ કૉલેજ, રાજકોટની P. D. U. ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને સતનાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજે મળીને બાળકોના સ્ક્રીન-ટાઈમ અને આંખોની સમસ્યા પર સંશોધન કર્યું, જેમાં 462 સ્કૂલોનાં સરેરાશ 11 વર્ષનાં બાળકોનું ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં આંખનું પરીક્ષણ કરવામાં આવ્યું. એ મુજબ 90 ટકા વિધાર્થીઓમાં મધ્યમથી ગંભીર ડ્રાય આઇ ડિસીઝ એટલે કે (DED)નું નિદાન આવ્યું.
આ સ્થિતિ આંખોની નબળી વૃષ્ટિ, લાલાશ રહેવી, ખંજવાળ આવવી કે આંખમાંથી પાણી પડવા જેવી સમસ્યાને નોતરે છે. રિસર્ચ દરમ્યાન આ બાળકોને તેમના ચાર દિવસના સ્ક્રીન-ટાઈમના ઉપયોગ પર સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમના જવાબમાં 30:00 મિનીટથી 2 કલાક કમ્પ્યુટર પર અભ્યાસ અને પોણા કલાકથી 2 કલાક એક્સ્ટ્રાકરિક્યુલર ઍક્ટિવિટી સામેલ હતાં. વધુમાં તેઓ દરરોજ પોણોથી 2 કલાક અભ્યાસ માટે અને 2 થી 3:30 કલાક જેટલો સમય એન્ટરટેઇનમેન્ટ માટે મોબાઇલ સ્ક્રીન પર વિતાવતા હતા. એટલે તેમના તારણ મુજબ જે બાળકો દિવસના 3 થી 3:30 કલાક સ્ક્રીનને લગતા ડિવાઇસ પર વિતાવે છે તેમનામાં ડ્રાય આઇઝનું જોખમ ખૂબ જ ઊંચું છે.
આંખોનો રોગ DED શું છે ?
ડૉ. નયન કહે છે, ‘આંખોમાં ટિયર ગ્લૅન્ડ એટલે કે અશ્રુગ્રંથિ હોય છે જેને કારણે આંખોમાં ભીનાશ રહે છે અને આંખ પોતાનું કાર્ય કરી શકે છે. ડ્રાય આઇઝ સ્થિતિ એટલે કે આંખોની ટિયર ગ્લૅન્ડમાંથી લુબ્રિકેશનનું બાષ્પીભવન થઈ જવું. એટલે આંખો ટિયર્સ પ્રોડ્યુસ નથી કરી શકતી, જેના કારણે બળતરા પેદા થાય છે તેમ જ આંખની સપાટીને નુકસાન થાય છે. બાળકો જ્યારે સતત આંખો ખુલ્લી રાખે છે એટલે તેમની ટિયર ગ્લૅન્ડમાંથી લુબ્રિકેશનનું બાષ્પીભવન થાય છે, જ્યારે એલ્ડરલી લોકોમાં ઉંમરને કારણે આ ગ્રંથિ સુકાઈ જવાથી ડ્રાય આઈઝની સમસ્યા ઊભી થાય છે.