કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સરકાર સાથેની ખેડૂતોની બેઠકોનું કોઈ પરિણામ નથી આવી શક્યું, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રદર્શનનું આયોજન કર્યું છે.

દિલ્હીના ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડ્યાં છે. તાજેતરમાં ગુજરાતના કેટલાક ખેડૂત સંગઠનો અને મજૂર સંગઠનોએ સમગ્ર રાજ્યના કલેક્ટરને જઈને આવેદન સોંપ્યા હતા. ખેડૂત સંગઠનોએ જિલ્લા મુખ્ય મથકોએ પ્રદર્શનની જાહેરાત પણ કરી છે.

આ દરમિયાન ગુજરાત કોંગ્રેસે પણ કૃષિ કાયદાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ખેડૂતોને પોતાના જ ખેતરમાં ગુલામ બનાવતી ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ગુજરાતના તમામ જિલ્લા મુખ્યમથકે આજે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવશે. જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ જિલ્લા મુખ્યમથકો પર ધરણા અને પ્રદર્શન કરશે. કોંગ્રેસની માંગ છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સ્વીકારે અને કૃષિ કાયદાને રદ્દ કરે.