વાંસદા: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા તથા છાત્રાલયોનું સંચાલન કરતી સંસ્થાના સંચાલકોનું સંઘ ‘સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘ’ના નેજા હેઠળ સરકારના લોકડાઉનના નિયમોનુસાર સમાજ કલ્યાણ શિક્ષણ સંસ્થા સંચાલક સંઘના પ્રમુખ કલ્યાણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાંસદામાં સભા યોજવામાં આવી હતી.

આ સભામાં બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ બારડોલીના પ્રમુખ અરવિંદભાઈ દેસાઈ, ગુજરાત ખેત વિકાસ પરિષદ અમદાવાદના પ્રમુખ અમરસિંહભાઈ ચૌધરી, વ્યારા ગ્રામ સેવા સમાજના પ્રમુખ ગણપત ગામીત, વેડછી સ્વરાજ આશ્રમના સંચાલક માધુભાઈ ચૌધરી, આદિવાસી સંસ્કાર મંડળ અજરાઈના પ્રમુખ ભગુભાઈ દરજી, વાંસદા ગ્રામસેવક મંડળના પ્રમુખ રાકેશભાઈ પટેલ, અનુપસિંહ સોલંકી, ધર્મેશભાઈ પુરોહિત તથા ડાંગના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિત ધરમપુર, નવસારી, વાંસદા, ડાંગ, વ્યારા, તાપી તથા વાલોડ વિભાગમાંથી પણ સંચાલકો પણ પોતાની હાજરી આપી હતી. સભા દરમિયાન સંસ્થાના વહીવટી તેમજ ગ્રાંટના પ્રશ્નોની સંચાલકોએ ઉગ્ર ચર્ચા થઇ ગઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં આવેલી આશ્રમ શાળાઓમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષક સહિતના કર્મચારીઓની ભરતી બંધ હોવાને લઈ નવસારી-વલસાડ અને ડાંગ જિલ્લામાં ૯૪ આશ્રમશાળાના ૨૨૪ શિક્ષક, ૭૫ રસોઈયા, ૩૨ મદદનીશ રસોઈયા, ૪૦ કમાઠી તથા કારકૂન, ફિલ્ડ આસિસ્ટન્ટ જેવી મહત્ત્વની જગ્યાઓ વયનિવૃત્તિ તથા જીલ્લા પંચાયતની નોકરીમાં જવાથી ખાલી છે. આના લીધે આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ ઉપર હાલમાં નકારાત્મક અસર પડેલી દેખાય છે.

વર્તમાન સમયમાં મહામારીને લઈ ૧૦ માસથી આશ્રમશાળા અને છાત્રાલયના બાળકો ઘરે છે તેથી ગ્રાંટ ફાળવાઇ નથી પણ કેટલાક અનિવાર્ય ખર્ચ લાઈટબીલ, સાફસફાઈ અને મેઈન્ટેનન્સની ગ્રાંટ અપાતી નથી તે મળવી જોઈએ. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ૧૭૨ છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા તથા અન્ય કર્મચારીઓને સરકારના લઘુત્તમ વેતન ધારા કરતા પણ તદન ઓછુ વેતન ચૂકવાય રહ્યું છે. તેમાં પણ સુધારો કરવો જોઈએ જેથી સ્થિતિને દુર કરી શકાય અને આ નિર્ણય જલ્દી કરવો જોઈએ.