વિચારમંચ: રમેશ સવાણી પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખે છે કે  ટીપૂ સુલ્તાન (20 નવેમ્બર 1750/ 4 મે 1799) મૈસૂરના રાજવી હતા. કેટલાંકના મતે તેમનો જન્મ 1 ડીસેમ્બર 1751ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ શાહ બહાદુર ફતેહઅલીખાન હતું. તેમના પરાક્રમને લીધે કન્નડ ભાષામાં ‘ટીપૂ’ (વાઘ) તરીકે તેઓ પ્રખ્યાત થયા હતા. પિતા હૈદરઅલીએ નીમેલા ફ્રેન્ચ અધિકારી પાસેથી ટીપૂએ લશ્કરી તાલીમ લીધી હતી. પિતાનું અવસાન થતાં ડિસેમ્બર 1782માં ટીપૂએ મૈસૂરનો વહીવટ પોતાના હાથમાં લીધો.

1790માં ત્રીજો મૈસૂર વિગ્રહ શરૂ થયો. ટીપુએ ફ્રેન્ચ મદદ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ ફ્રાંસમાં ક્રાંતિની શરૂઆત થઈ હોવાથી તે શક્ય ન બન્યું. ટીપૂને આ વિગ્રહથી ખૂબ સહન કરવું પડ્યું. 1792માં શ્રીરંગપટ્ટમ્ની સંધિ કરવામાં આવી, જે મુજબ ટીપૂએ પોતાના અર્ધા જેટલા પ્રદેશો ગુમાવ્યા અને સાડાત્રણ કરોડ રૂપિયાનો યુદ્ધદંડ ચૂકવવો પડ્યો ! ત્રીજા મૈસૂર વિગ્રહ પછી ટીપૂએ પોતાના આંતરિક વહીવટી તંત્રમાં ઘણા સુધારા દાખલ કર્યા, વેપારઉદ્યોગ અને ખેતીને ઉત્તેજન આપ્યું અને નૌકાદળને મજબૂત બનાવ્યું. 1798માં ભારતમાં લૉર્ડ વેલેસ્લી ગવર્નર-જનરલ તરીકે આવતાં અંગ્રેજો સાથે ફરી ઘર્ષણ શરૂ થયું. વેલેસ્લી તેની સહાયકારી જોડાણ યોજનામાં નિઝામ ઉપરાંત ટીપૂને પણ સામેલ કરવા માગતો હતો, પરંતુ ટીપૂએ તેનો અસ્વીકાર કર્યો. ટીપૂએ કાબુલ, અરબસ્તાન, કૉન્સ્ટન્ટિનોપલ તથા મોરિશિયસમાં પોતાના પ્રતિનિધિઓ મોકલીને અંગ્રેજો વિરુદ્ધ મદદ મેળવવા પ્રયાસ કર્યા હતા. આવા સંજોગોમાં અંગ્રેજો સાથે યુદ્ધ અનિવાર્ય બન્યું. મે, 1799માં ચોથો મૈસૂર વિગ્રહ થયો. અંગ્રેજ સેના ટીપુના પાટનગર શ્રીરંગપટ્ટમ્ સુધી પહોંચી.

આ ટૂંકા પરંતુ ખૂનખાર યુદ્ધમાં ટીપૂની હાર થઈ અને તેઓ આ યુદ્ધમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું હતું કે ‘શિયાળની માફક સો વરસ જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું બહેતર છે !’ ટીપૂના અડધા પ્રદેશો અંગ્રેજો અને નિઝામ વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા અને મૈસૂરની ગાદી વૂડિયાર રાજવી કુટુંબને પાછી આપવામાં આવી. અંગ્રેજોએ ટીપૂને ધર્માંધ અને ક્રૂર રાજવી તરીકે રજૂ કર્યા છે, પરંતુ વાસ્તવમાં તે ધર્મસહિષ્ણુ રાજવી હતા. 1793માં શૃંગેરી મઠના શંકરાચાર્ય પર લખાયેલા તેમના પત્રમાં તેમણે શંકરાચાર્યને જગદગુરુ તરીકે સંબોધ્યા હતા.

1791માં મરાઠાઓના આક્રમણ વખતે શૃંગેરી મઠને થયેલું નુકસાન ભરપાઈ કરવા તેમણે નાણાકીય મદદ પણ કરી હતી. તેઓ વિદ્યાવ્યાસંગી હતા. તેમના પુસ્તકાલયમાં અમૂલ્ય હસ્તલિખિત પુસ્તકોનો સમાવેશ થતો હતો. તેમણે વિજ્ઞાન, ચિત્રકળા, સંગીત તથા સ્થાપત્યને ઉત્તેજન આપ્યું હતું. ટીપૂએ એક ક્રાંતિકારી પગલું લીધું હતું તેથી તેમને યાદ કરવામાં આવે છે. ત્રાવણકોર વિસ્તારમાં, 26 જુલાઈ 1859નો દિવસ મહત્વનો છે; કેમકે તે દિવસે મહિલાઓને પોતાના સ્તન ઢાંકવાનો અધિકાર મળ્યો હતો !

એ સમયે ત્રાવણકોર મહારાજાના શાસનમાં; કુલીન પુરુષોને સન્માન આપવા નીચલા વર્ગના પુરુષો માથા પર પાઘડી કે કપડું બાંધી શકતા ન હતા; ઉપરાંત મહિલાઓ પોતાની છાતી ઢાંકી શકતી ન હતી, ટોપલેસ રહેવું ફરજિયાત હતું ! નંબૂદિરી બ્રાહ્મણ અને ક્ષત્રિય નાયર મહિલાઓને શરીરનો ઉપલો ભાગ ઢાંકવાના નિયમો હતા. નંબૂદિરી બ્રાહ્મણ મહિલાઓએ ઘરમાં સ્તન ખૂલા રાખવા પડતા. તે ઘર બહાર જાય ત્યારે સ્તન ઢાંકી શકતી હતી. પરંતુ મંદિરમાં ઉપલા વસ્ત્રો કાઢીને જ જઈ શકાતું હતું. નાયર મહિલાઓએ બ્રહ્મણ પુરુષો સામે સ્તન ખૂલા રાખવા પડતા હતા ! સૌથી ખરાબ સ્થિતિ દલિત મહિલાઓની હતી. તેને સ્તન ઢાંકવાનો અધિકાર જ ન હતો ! આવી અન્યાયી અને અમાનવીય પ્રથા સામે મહિલાઓમાં અસંતોષ હતો. દલિત મહિલાઓ અછૂત હોવાથી કુલીન પુરુષો લાંબા ડંડા સાથે છરી બાંધતા અને બ્લાઉઝ કે કંચુકી જોવા મળે તો છરીથી ફાડી નાંખતા ! ઉલ્લંઘન કરે તેને ‘બ્રેસ્ટ ટેક્સ’ ચૂકવવો પડતો ! આ ટેક્સ સ્તનની સાઈઝ પ્રમાણે વસૂલ કરવામાં આવતો ! મહારાજા આ પ્રથાની તરફેણ કરતા હતા ! મહારાજાની સવારી નિકળે ત્યારે રસ્તાની બન્ને બાજુ દલિત કુંવારી મહિલાઓને ફૂલ વરસાવવા ઊભી રાખવામાં આવતી ! 1813થી આ પ્રથા સામે વિરોધ શરુ થઈ ગયો હતો. મહિલાઓ સ્તન ઢાંકવા લાગી હતી; પરંતુ તે કુલીન પુરુષોને ગમ્યું નહી; રસ્તા વચ્ચે મહિલાઓને ઊભી રાખી તેમના વસ્ત્રો હટાવી દેવામાં આવતા હતા. મહિલાઓ ઉપર હિંસક હુમલા પણ કરતા હતા. શરીર ઢાંકવાના અધિકાર માટે કેટલીય મહિલાઓએ જીવ ગુમાવ્યા.

આ સંઘર્ષ ચન્નાર ક્રાંતિ તરીકે ઓળખાય છે. કુલીન પુરુષોની દલીલ હતી કે જો દલિત મહિલાઓને શરીર ઢાંકવાની મંજૂરી અપાય તો દલિત મહિલા અને કુલીન મહિલા વચ્ચે ફરક કેવી રીતે રહેશે? 1819માં ત્રાવણકોરના મહારાજા મૂલમ તિરુનલ રામ વર્માએ હુકમ કર્યો કે ‘કોઈ દલિત મહિલા પોતાના સ્તન ક્યારેય ઢાંકી શકશે નહીં !’ કેરળની નાદર જાતિની શ્રમિક મહિલાઓએ ઈસાઈ ધર્મ અંગીકાર કરી પૂરા કપડાં પહેરવાનું ચાલુ કર્યું. એડવા જાતિની એક યુવતી નાંગેલીએ સ્તન ઢાંકવાનો નિર્ધાર કરી લીધો. તેની પાસે બ્રેસ્ટ ટેક્સ વસૂલ કરવા અધિકારીઓ આવ્યા તો તેણે ટેક્સના બદલે પોતાના સ્તન કાપીને રજૂ કર્યા ! લોહી વહી જવાથી નાંગેલીનું મૃત્યુ થયું તેના અગ્નિસંસ્કાર વેળાએ નંગેલીના પતિ ચિતામાં કૂદી પડ્યા અને જીવ આપી દીધો ! મહિલાઓનો સંઘર્ષ ચાલુ હતો; ત્યારે ટીપુ સુલ્તાને આ અન્યાય દૂર કરવા ત્રાવણકોર ઉપર આક્રમણ કર્યું; જેમાં ત્રાવણકોરના 700 સૈનિકો મરાયા ! ત્રાવણકોરના હિન્દુ મહારાજાને (1719 થી 1949) 26 જુલાઈ 1859ના રોજ સ્તન ઢાંકવાની મંજૂરી આપવી પડી !

આ પ્રથાનો હેતુ મહિલા કઈ જાતિની છે; તેનો દૂરથી જ ખ્યાલ આવે તે હતો; બ્રેસ્ટ ટેક્સનો હેતુ જાતિભેદને મજબૂત કરવાનો હતો ! ચન્નાર ક્રાંતિની આ ઘટના 2016માં, NCERT-નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગના ધોરણ-9ના ઈતિહાસના પાઠ્ય પુસ્તકમાંથી દૂર કરવામાં આવી ! માનસિકતા જૂઓ : બ્રેસ્ટ ઢાંકવા સામે વાંધો હતો; હવે તેના સંઘર્ષના ઈતિહાસ સામે વાંધો છે ! સ્તન ઢાંકવા માટેના સંઘર્ષને જ ઢાંકી દીધો