ગુજરાતન રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ તો મૂકી દીધો છે પરંતુ વધુ એક નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે મુજબ હાલની કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે લગ્ન/સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના ૫૦ ટકા થી ઓછા પરંતુ વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે આ મર્યાદા ૨૦૦ રાખી હતી પરંતુ કેસ વધતા અને સુપ્રીમ કોર્ટની ફટકાર મળતા આ મર્યાદા ૧૦૦ લોકોની કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ધાર્મિક વિધિમાં મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન/સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

ગુજરાતમાં આજે ૧૪૮૭ નવા કેસો સામે આવ્યા છે અને ૧૭ લોકોના મરણ થયા છે, જ્યારે ૧૨૩૪ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં ૧૯૮૮૯૯ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. ૧૮૧૧૮૭ દર્દીઓને અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૩૮૭૬ લોકોના મોત થયા છે. આજે ૧૭ લોકોના મોત થયા છે.

આજની નવા કેસોની જિલ્લા પ્રમાણે જોઈએ તો અમદાવાદ ૩૪૪ કેસ સુરત ૨૭૦ કેસ વડોદરા ૧૭૨ કેસ રાજકોટ ૧૫૪ કેસ ગાંધીનગર ૮૨ કેસ ભાવનગર ૨૬ કેસ જામનગર ૨૧ કેસ જૂનાગઢ ૧૭ કેસ મહેસાણા ૪૬ કેસ પાટણ ૪૪ કેસ બનાસકાંઠા ૩૦ કેસ આણંદ ૨૭ કેસ, પંચમહાલ ૨૫ કેસ, ખેડા ૨૩ કેસ, નર્મદા ૨૩ કેસ, સાબરકાંઠા ૨ કેસ, મોરબી ૨૧ કેસ, અમરેલી ૧૮ કેસ, મહીસાગર ૧૮ કેસ, દાહોદ ૧૬ કેસ, સુરેન્દ્રનગર ૧૪ કેસ, ભરૂચ ૧૩ કેસ, કચ્છ ૧૧ કેસ, ગીર સોમનાથ ૧૦ કેસ, તાપી ૧૦ કેસ, અરવલ્લી ૯ કેસ, છોટા ઉદેપુર ૭ કેસ, નવસારી ૪ કેસ, પોરબંદર ૪ કેસ, દેવભૂમિ દ્વારકા ૩ કેસ અને બોટાદ ૨ કેસ નોંધાયા છે.