નર્મદા: ૨૫ નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયામાં યોજાઈ રહી છે. આ દરમિયાન સ્થાનિક એટલે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આ કાર્યક્રમમાં આવી રહેલા દેશના રાષ્ટ્રપતિને અને પ્રતિનિધિ મંડળને મળવાની ઈચ્છા વ્યકત કરી છે અને તેના માટે તેમણે જીલ્લા કલેકટરને પત્ર લખી મળવાની પરવાનગી માગી છે.

મળતી માહિતી મુજબ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ એવા રામનાથ કોવિંદ ૨૫ નવેમ્બરે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડીયા આવી રહ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારા સભ્ય મહેશભાઈ સી. વસાવાએ રાષ્ટ્રપતિને અને પ્રતિનિધિ મંડળને મળવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર જીલ્લા કલેકટરને લખ્યો છે. સુત્રો પાસે થી મળતી વિગત પ્રમાણે તેમાં તેઓ આદિવાસીઓ માટે ભીલીસ્થાન (ભીલપ્રદેશ) અલગ રાજ્યની માંગણી, અનુસૂચી-૫ની જીલ્લામાં અમલવારી તેમજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમના કાયદાને રદ કરવાના મુદ્દાઓની રજુવાત કરશે.

પડકાર ન્યુઝના રીપોર્ટમાં જણાવ્યા મુજબ છે કે ગુજરાતમાં આદિવાસી વિસ્તારના મહત્વના પ્રશ્નોની રજુવાત કરવા ઈચ્છે છે જેમાં બોલી આધારિત ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તથા મહારષ્ટ્રના અનુસુચિત વિસ્તાર અને ભીલીસ્થાન (ભીલપ્રદેશ) અલગ રાજ્યએ આજના સમયની માંગ બની છે આ ઉપરાંત અનુસૂચી-૫ અમલવારી કરવાથી આદિવાસીઓને પોતાના હકો મળશે. તેમજ હાલમાં જે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમના કાયદાને લાગુ કરવામાં આવ્યો છે તેને પણ રદ કરવાની તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ અપીલ કરશે. હવે જોવું રહ્યું કે શું જીલ્લા કલેકટર ધારાસભ્યને પરવાનગી આપશે કે નહિ ? શું રાષ્ટ્રપતિ સ્થાનિક ધારાસભ્યને મળશે ખરા ? જો આ મુલાકાત સંભવ બને તો રજુવાત કરેલા પ્રશ્નોની નિરાકરણ આવશે ? આવા અનેક સવાલો આદિવાસી સમુદાયમાં સળવળી રહ્યા છે.