પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ભરૂચ: અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે રહેતી એક પાંચ વર્ષીય બાળકીને હવસખોર યુવાને રમવાની લાલચે શૌચાલયમાં લઈ જઇ તેની સાથે કુકર્મ કર્યું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ દુષ્કર્મીને મોતની સજા મળી પરંતુ કાયદો હાથમાં લેવાઈ જતા ભોગ બનનાર પરિવાર ડબલ મુસીબતમાં મુકાયો છે. એક બાજુ તેમની દીકરી સાથે દુષ્કર્મ થયું બીજી બાજુ પીડિતના પિતાના હાથે દુષ્કર્મીનું મોત થયું આમ આ સ્થિતિ વધારે વણસી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાનાં બોરભાઠા ગામ ખાતે પંચાયત ફળિયામાં રહેતી એક પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી દરમિયાન ફળિયામાં જ રહેતો ૧૯ વર્ષીય યુવાન લાલુ રાજૂ બિહારી તેની પાસે આવ્યો હતો અને તેને રમવાના બહાને પટાવી ફોસલાવી મકાનની પાછળ શૌચાલયમાં લઇ ગયો હતો.

આ ઘટના જાણ થતા આરોપીની માતાએ આરોપીને બાળકીના પિતા સોફી દીધો હતો અને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નરાધમ લાલુ રાજૂ બિહારીને લાકડીના સપાટા તેમજ પત્થર વડે માર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલ લાલુ બિહારીને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક લાલુ રાજૂ બિહારી વિરુદ્ધ ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધ્યો છે તો બીજી તરફ ભોગ બનનાર બાળકીના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો.

બાળકીની માતાએ જણાવ્યું કે આ છોકરાને અમે નાનપણથી ઓળખીએ છીએ. અમે તેને નાનો મોટો થતા જોયો છે. તે અમારા ઘરે આવ્યો અને અમારી દીકરી સાથે આવું કરે તે તો સ્વપ્ને પણ વિચારી ન શકાય પરંતુ જ્યારે તે વાડામાંથી નીકળ્યો ત્યારે દીકરીનો રડવાનો અવાજ આવ્યો હતો. જેથી અમે આ છોકરાનો પકડી લીધો હતો. દરમિયાન દીકરીની તપાસ કરતા ખૂન જોવા મળ્યું હતું. જોકે, અમે તેને માર્યો નથી. અમે તેને એ જ્યાં કામ કરતો હતો ત્યાં સોપી દીધો હતો લોકોએ તેને મારતા તેનું મોત થઇ ગયું હતું.

ભરૂચ જીલ્લાના DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરી સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે તેના પિતાએ તેને ઉશ્કેરાઇ જતા લાકડીના ફટકા માર્યા હતા. જેથી લાલુ બિહારીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપી યુવકનું મોત થયું.