આજના આધુનિક કાળમાં ખર્ચાળ બની રહેલી ખેતીને સસ્તી અને ઝડપી બનાવવા લોકો અવનવા સાધનોની શોધ કરતા હોય છે. સામાન્ય રીતે ખેતીમાં બળદ દ્વારા હળ ચલાવી અથવા ટ્રેકટર કે મિની ટ્રેકટર દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. હાલમાં કાયમી બળદની જોડી પોતાના ઘરોમાં રાખવી સામાન્ય ખેડૂતને પોસાય તેમ નથી, તેથી ખેતીની સીઝનમાં સાતી ભાડે કરી ખેતી કરતા હોય છે. આવું જ ટ્રેકટરનું છે કે જેને પણ ખેડૂતો ભાડે કરી વાવણી, નિંદામણના કામો કરતા હોય છે. પરંતુ નાના ગામોમાં અમુક ખેડૂતો પાસે જ બળદ અથવા ટ્રેકટર હોય. જેથી ભાડે રાખીને ખેતીકામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર કે બળદના માલિકોના સમય મુજબ તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે.

      પહેલાંના સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમેધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ લોકો કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એકમાંથી અનેક કામો કરતા એક જુગાડુ બાઇકનો ભાવનગરના સીદસરના ગામના ખેડૂતે આવિષ્કાર કર્યો છે. વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું જુગાડુ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો (મિની ટ્રેક્ટર) જેવા સાધનો કરતા ૮૦% સસ્તું અને સરળ બની રહ્યું છે. શું છે જુગાડુ બાઇકની વિશેષતાઓ ચાલો જાણીએ.

     વર્તમાન સમયમાં ખેતીમાં વારંવાર થતા નાનામોટા ખર્ચ સામે પહોંચી વળવા અને તેની બચત કરવા ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશએ આ તમામ બાબતોનો જુગાડ શોધી કાઢ્યો છે. યુવા ખેડૂતે એક જુના બાઇકને ખેતીના સાધનમાં પરિવર્તિત કર્યું છે, બાઈકમાં નિંદામણ સહિતના વિવિધ ખેતી કામોના ઉપયોગમાં આવી શકે તેવું એક જુગાડુ બાઈક બનાવ્યું છે. જેમાં કારનું ડિફ્રેસન સહિતનું ગિયર બોક્ષ ફીટ કરવામાં આવ્યું છે. જેનાથી તાકાતમાં ખુબ વધારો થાય છે અને માટીના ઢેફા વચ્ચે પણ આસાનીથી ચાલી શકે છે. તેમજ વળાંક સહિતની કામગીરી આસન બની જાય છે.

    આ ફક્ત ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતમાં તૈયાર થતું આ જુગાડુ બાઈક કે જેમાં વાવણીની સાથે સાથે નિંદામણના વિવિધ કામો જેમાં કળીયુ, ચાહણો, બેલી, બેલો, દોઢીયો ચાલી શકે છે. તેમજ પાછળ હળની જગ્યાએ ટ્રોલી લગાવી નીરણ વગેરે વાડીએથી ઘરે કે ઘરેથી વાડીયે પણ લઇ જઈ શકાય છે. આ ઉપરાંત વરસાદી સીઝનમાં વરસાદ પડી ગયા બાદ ખેતરોમાં નિંદામણ વગેરેની કામગીરી સાતી કે ટ્રેક્ટર દ્વારા કરાતી હોય છે અને જેમાં રાહ જોવી પડે છે. જ્યારે આ જુગાડુ બાઈક દ્વારા ખેતરમાં બે દિવસ બાદ પણ કામગીરી કરી શકાય છે.

    આ બાઈકમાં મૂકેલા સેટિંગ કારણે કોઈપણ પ્રકારની જમીન પર તેની ક્ષમતા અનુસાર કામગીરી કરી શકાય છે. ખાસ વાત તો એ છે કે બાઇકમાં કાર અને ટ્રેક્ટરની જેમ રિવર્સ ગિયર ફિટ કરાયો છે જે બાઇકને આસાનીથી પાછળની તરફ ચલાવી શકે છે, સામાન્ય રીતે ટ્રેકટર દ્વારા નિંદામણની કામગીરીમાં એક વિધાએ ૨૫૦ થી ૩૦૦ રૂ. જેટલો ખર્ચ થતો હોય છે. જ્યારે આ જુગાડુ બાઈકથી માત્ર ૩૫ થી ૪૦ રૂ. માં પ્રતિ વીઘાએ નિંદામણ કરી શકાય છે. જુના બાઈકની કિંમત ખાસ ન હોય, જેથી આ બનાવવામાં પણ સસ્તું પડે છે અને સામાન્ય ખેડૂતોને પોસાય પણ શકે છે. સામાન્ય રીતે બાઈક લોકોને ચલાવતા આવડતું હોય જેથી ઘરના બે કે તેથી વધુ સભ્યો મળી ખેતીની વિવિધ કામગીરી સરળતાથી કરી શકે છે.આ ખેડૂતના આત્મવિશ્વાસ અને આવડતથી બનાવેલું આ જુગડું બાઈક ખેતીમાં નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.