શાળામાં વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચનનું કામ શિક્ષકનું છે. પરંતુ ક્યારેક કોઈ એકાદ શિક્ષકની કરતૂતને કારણે સમગ્ર શિક્ષણ જગતે શરમ અનુભવવી પડે છે. આવો જ એક બનાવ ભરૂચમાં સામે આવ્યો છે. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરના એક શિક્ષકે વિદ્યાર્થીઓના ઓનલાઇન અભ્યાસ માટેના ગ્રુપમાં અશ્લીલ વીડિયો અને તસવીર શેર કરી દીધી હતી.

    સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા કાર્યરત છે ત્યારે સરસ્વતી વિદ્યામંદિરના બાળકોના અભ્યાસ માટે એક ઓનલાઇન શિક્ષણ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં એક શિક્ષકે અશ્લીલ વીડિયો અને તસવીરો પોસ્ટ કરી દીધી હતી. આ વાત વિદ્યાર્થીઓના વાલીઓને માલુમ પડતા હોબાળો મચી ગયો હતો. જે બાદમાં વાલીઓ ભેગા થઈને સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા. પોલીસી દ્વારા આ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

    ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના શિક્ષકે સ્કૂલના ઓનલાઈન ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેવાની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. બનાવ બાદ બાળકોના વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે વાલીઓ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને આરોપી શિક્ષકને મેથીપાક આપ્યો હતો. આ મામલે જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.