ભાજપમાં જોડાયેલા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા હજુ પોતાના મૂળ પક્ષને ભૂલ્યા નથી. મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણીઓનો માહોલ છે તેવામાં ભાજપના ઉમેદવારની રેલીમાં સિંધિયાએ ભૂલથી મીસ્ટેક કરી દીધી. તેમણે કોંગ્રેસ માટે મત માગ્યા હતા. મધ્ય પ્રદેશમાં 3જી નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે. ડબરા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના સમર્થનમાં શનિવારે આયોજિત એક રેલીમાં સિંધિયા ભાષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને તેમણે લોકોને કહ્યું, ‘3 તારીખે પંજાવાળું બટન દબાવજો. મારી ડબરાની જનતા, મારી શાનદાર અને જાનદાર ડબરાની જનતા… મુઠ્ઠી બાંધીને વિશ્વાસ અપાવો કે 3 તારીખે હાથના પંજાવાળું બટન દબાવશો.
જોકે, પાછળથી તેમને ખ્યાલ આવ્યો કે તે ખોટું બોલી ગયા છે. તો તેમણે આગળ કહ્યું, ‘કમલના ફૂલવાળું બટન દબાવજો અને હાથના પંજાવાળા બટનને બોરીયા બિસ્તરા બાંધી આપણે અહીંથી રવાના કરી દઈશું.’
જોકે, સિંધિયાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ તેનો લાભ ઊઠાવતાં સિંધિયાની વીડિયો ટ્વીટ કરતા લખ્યું છે, સિંધિયાજી, મધ્ય પ્રદેશની જનતા વિશ્વાસ અપાવે છે કે 3 તારીખે હાથના પંજાવાળું બટન જ દબાવશે.
सिंधिया जी,
मध्यप्रदेश की जनता विश्वास दिलाती है कि तीन तारीख़ को हाथ के पंजे वाला बटन ही दबेगा। pic.twitter.com/dGJWGxdXad— MP Congress (@INCMP) October 31, 2020
2002માં સિંધિયા કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ 18 વર્ષ પછી આ વર્ષે માર્ચમાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે તેમના 22 વિશ્વાસુ કોંગ્રેસ ધારાસભ્યોએ પણ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું, જેને પગલે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પડી ગઈ હતી. પાછળથી સિંધિયા અને તેમના વફાદારો ભાજપમાં જોડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશમાં 3જી નવેમ્બરે કુલ 28 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે.